News of Friday, 29th August 2025
ઉ. ભારત માટે ૨૦૧૩ પછીનું સૌથી ભારે ચોમાસું : ચેરાપુંજી સૂકુંભઠ
ઉત્તર ભારત માટે સામાન્ય કરતાં ૨૩ ટકા વધુ વરસાદ, ઓગસ્ટમાં ગયા વર્ષના ૧૪ સામે આ વર્ષે ૨૧ દિવસ અતિ ભારે વરસાદના રહ્યા

નવી દિલ્હી, તા.૨૯: ભારતનાં ઉત્તર-પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૩ ટકા વધારે વરસાદ વરસી ચૂકયો છે, જ્યાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને લીધે જાનહાનિ અને માલસામાનની ભારે નુકસાની થઈ છે. ઑગસ્ટ મહિનામાં ગયા વર્ષે ૧૪ દિવસ અતિ ભારે વરસાદના રહ્યા હતા, જ્યારે આ વર્ષે ઑગસ્ટના ૨૧ દિવસ અત્યંત ભારે વરસાદના નોંધાયા હતા અને મહિનાના હજી ૩ દિવસ બાકી છે. એકલા હિમાચલ પ્રદેશમાં ૧થી ૨૫ ઑગસ્ટ વચ્ચે ૪૪ ટકા વધુ વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ભારત માટે ૨૦૧૩ પછીનું આ સૌથી ભારે ચોમાસું રહ્યું છે. જમ્મુ -કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદે હાહાકાર મચાવ્યો હતો
ચેરાપુંજી જે ભારતમાં અનરાધાર વરસાદના પર્યાય તરીકે અને સમગ્ર વર્ષ દરમ્યાન વરસાદી વાતાવરણને લીધે જાણીતું છે એ અત્યારે વરસાદની ખોટ અનુભવી રહ્યું છે. ભારતના અન્ય ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં અનેકગણો વધારે વરસાદ વરસ્યો છે ત્યારે ચેરાપુંજીમાં આ વર્ષે અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ૫૦ ટકા જેટલો ઓછો વરસાદ વરસ્યો છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યો માટે સપ્ટેમ્બર પણ વરસાદી રહેવાની આગાહી ભારતના હવામાન ખાતાએ કરી છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, લેહપ્રલદ્દાખ અને રાજધાની દિલ્હીમાં પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની શકયતા ભરપૂર છે.(૨૩.૨૪)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
