<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

છ મહિનાથી સંબંધ નથી બાંધ્‍યો છતાં પત્‍ની પ્રેગ્નેન્‍ટ થઈઃ શંકા જતાં બોરીમાં ભરી નદીમાં ફેંકી દીધી

લવ મેરેજ કરીને યુવક ફસાયો

બાલૌદાબાજાર તા.૩૦:  છત્તીસગઢના બાલૌદાબાજારમાંથી એક પ્રેમલગ્નનો અનોખો મામલો સામે આવ્‍યો છે. અહીં ૨૧ વર્ષના સંજૂ નિષાદ નામના છોકરાના લવ મેરેજ ૨૨ વર્ષની પત્‍ની સંગીતા નિષાદ સાથે થયા હતા. પણ વરરાજાનું કહેવું છે કે, લગ્નના ૬ મહિના થઈ ગયા અને બંને વચ્‍ચે સંબંધ નથી બંધાયો, છતાં તેની દુલ્‍હન સંગીતા પ્રેગ્નેન્‍ટ છે. આ વાતથી પરેશાન પતિએ કહ્યું કે,- મેં તો છ મહિનાથી સંગીતાથી ટચ પણ નથી કર્યું, આખરે તે પ્રેગ્નેન્‍ટ કેવી રીતે થઈ ગઈ? બાદમાં શંકા જતાં સંજૂએ એવો કાંડ કર્યો, જેના વિશે જાણીને તમારા હોશ ઊડી જશે.

હકીકતમાં જોઈએ તો, સંજૂ અને સંગીતાની મુલાકાત ગત વર્ષે ઇન્‍સ્‍ટાગ્રામ પર થઈ હતી. દોસ્‍તી ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ અને બંને નજીક આવી ગયા. લગ્ન પહેલાથી સંગીતા ગર્ભવતી થઈ ગઈ હતી, પણ બંનેએ સહમતિથી દવા લઈને ગર્ભપાત કરાવ્‍યો હતો. ૨૦૨૪ના અંતમાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા. સંગીતાને આશા હતી કે લગ્ન બાદ બધું ઠીક થઈ જશે, પણ આવું કંઈ થયું નહીં.

લગ્નના શરુઆતી દિવસો તો ઠીક રહ્યા, પણ ટૂંક સમયમાં બંને વચ્‍ચે તણાવ વધવા લાગ્‍યો. સંગીતા ફરી વાર ગર્ભવતી થઈ. પણ વખતે સંજૂએ બાળક અપનાવવાની ના પાડી દીધી. તેણે સંગીતા પર આડા સંબંધોનો આરોપ લગાવ્‍યો અને દાવો કર્યો કે, તેણે લગ્ન બાદ સંગીતા સાથે કોઈ શારીરિક સંબંધ બાંધ્‍યો નથી. આ શંકા બંને વચ્‍ચે ઝઘડાનું કારણ બની ગઈ. નાની નાની વાતો પર વિવાદ થવા લાગ્‍યો અને સંબંધ તણાવથી ભરાઈ ગયો.

૧૮ ઓગસ્‍ટના રોજ બંને વચ્‍ચે ઝઘડો કંઈક વધી ગયો. ગુસ્‍સામાં આવીને સંજૂએ ચાકૂથી સંગીતાનું ગળું કાપી નાખ્‍યું. હત્‍યા બાદ ગભરાહટમાં આવીને તેણે લાશને બોરીમાં ભરી નજીકની નદીમાં ફેંકી દીધી. ત્‍યાર બાદ એવો વ્‍યવહાર કરવા લાગ્‍યો, જાણે કંઈ થયું જ નથી. બે દિવસ બાદ સંગીતાના પરિવારે તેના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્‍યો. ૨૬ ઓગસ્‍ટના રોજ નદી કિનારે સંગીતાની લાશ મળી. પોલીસે ચાકૂના નિશાન જોઈ સંજૂ પર શંકા થઈ. પૂછપરછમાં સંજૂએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.(૩૮.૧૪)

(10:12 AM IST)