તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
એકલા જ આવ્યા મનવાઃ મૃત પત્નીના સેંથામાં પતિએ પૂર્યું સિંદૂરઃ હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
સેંથામાં સિંદૂર પૂરતી વખતે તેના હાથ થરથરી રહ્યા છે. તેની આંખો પણ આંસુથી ભરાઈ આવી છે

પટના તા.૩૦: એકલા જ આવ્યા મનવા, એકલા જવાના એ પંક્તિ જિંદગી જીવવાની મોટી શિખામણ સમાન છે. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે જેને કોઈ બદલી શકતું નથી, પરંતુ પતિ-પત્નીની જોડી જ્યારે વિખૂટી પડે છે, ત્યારે કરૂણ લ્લશ્ય સર્જાય છે. બિહારથી પણ આવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે. વૃદ્ધ દંપતી પૈકી મહિલાની મૃત્યુ થતા પુરૂષે પરંપરાનું પાલન કર્યું છે, જેનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થયા પછી લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી હતી.
વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમસંસ્કાર કેટલીક વિધિ કરવામાં આવે છે, જેમાં પતિ-પત્ની પૈકી જો પત્નીનું મૃત્યુ થાય તો અંતિમસંસ્કાર પહેલા પતિ દ્વારા પત્નીના સેંથામાં સિંદૂર પૂરવામાં આવે છે. બિહારના છપરામાં પણ એક વૃદ્ધ દંપતીની જોડી વિખૂટી પડી છે. જેના અંતિમસંસ્કારનો વીડિયો વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વૃદ્ધ પત્નીનું મૃત્યુ થતા વૃદ્ધ પતિ તેના સેંથામાં સિંદૂર પૂરી રહ્યો છે. સેંથામાં સિંદૂર પૂરતી વખતે તેના હાથ થરથરી રહ્યા છે. તેની આંખો પણ આંસુથી ભરાઈ આવી છે. આમ, પત્નીની વિદાય તે વૃદ્ધ માટે વસમી બની ગઈ છે. છપરા જિલ્લા નામના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે પ્રતિક્રિયા પણ ચોંકાવનારી આપી હતી.
યુઝર્સ કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને વૃદ્ધના પ્રેમની સરાહના કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, ‘‘આના પછી બીજા સાથીને જીવનથી કોઈ અપેક્ષા રહેતી નથી, બસ તે આજ વિચારે છે કે, હું હવે તેને તે લોકમાં જઈને મળી લઉં.'' બીજા યુઝરે લખ્યું કે, ‘‘માતાજી કેટલા ભાગ્યશાળી હતા, જેઓ ૧૬ શણગાર સાથે આ ઘરમાં આવ્યા અને તે રીકે તૈયાર થઈને સંસારમાંથી વિદાય લઈ રહ્યા છે.'' ત્રીજા યુઝરે લખ્યું કે, ‘‘આ દુઃખ જેના લગ્ન થયા હોય, તે જ સમજી શકે છે.'' ચોથા યુઝરે લખ્યું છે કે, ‘‘આજકાલના લોકોએ પ્રેમને કેવો બનાવી દીધો છે. આનાથી શીખવું જોઈએ કે, જીવનના અંત સુધી સાથ કેવી રીતે આપવો.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
