<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી વાર ચર્ચામાં:રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી

ધનખડ 1993માં કોંગ્રેસની ટિકિટ પર અજમેર જિલ્લાની કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા: લગભગ 42 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળશે. રાજસ્થાનમાં નેતાઓ માટે ડબલ અને ટ્રિપલ પેન્શનની સિસ્ટમ છે

નવી દિલ્હી :પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી છે. ધનખડ 1993માં કોંગ્રેસની ટિકિટ પર અજમેર જિલ્લાની કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ધારાસભ્ય હોવાથી તેમને હવે વિધાનસભામાંથી પેન્શનનો અધિકાર છે.

 

ધનખડ હાલમાં 74 વર્ષના છે. નિયમો અનુસાર, તેમને રાજસ્થાન વિધાનસભામાંથી લગભગ 42 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળશે. રાજસ્થાનમાં નેતાઓ માટે ડબલ અને ટ્રિપલ પેન્શનની સિસ્ટમ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ સાંસદ અને ધારાસભ્ય બંને રહી ચૂક્યો હોય, તો તે બંને પદો માટે પેન્શન મેળવી શકે છે.

 

આ જ કારણ છે કે ઘણા ભૂતપૂર્વ નેતાઓ એકસાથે અલગ અલગ પદોનું પેન્શન લે છે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ પુષ્ટિ આપી છે કે ધનખરની પેન્શન અરજી વિધાનસભાને મળી ગઈ છે અને પ્રક્રિયા ચાલી રહી છે.

 

નોંધનીય છે કે જગદીપ ધનખરે તાજેતરમાં અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. 21 જુલાઈના રોજ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને રાજીનામાની માહિતી આપી હતી. તેમના પત્રમાં તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય આપ્યું હતું. આ પગલાથી દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો કારણ કે તેમનો કાર્યકાળ હજુ બાકી હતો.

(1:17 PM IST)