News of Saturday, 30th August 2025
સોનામાં વધુ ૧૧૦૦-ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ઉછાળો
સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૦૬,૭૦૦ અને ચાંદીના ભાવ ૧,ર૩,પ૦૦ની નવી ઐતિહાસિક સપાટીએ

રાજકોટ, તા., ૩૦: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીનો દોર જારી રહેતા રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. મોડી રાત્રે સોનામાં ૧૧૦૦ રૂા. અને ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવોએ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં મોડી રાત્રે સોનામાં વધુ ૧૧૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૦૫,૬૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૬,૭૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૧૧૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૫૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૬૭,૦૦૦ રૂા. થયા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના કારણે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૩૦૦૦ રૂા. નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,ર૦,૫૦૦ રૂા. હતા તે વધીને ૧,ર૩,પ૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી. ચાલુ માસે સોનામાં ૧૦ ગ્રામે ૪૬૦૦ રૂા. અને ચાંદીમાં ૬પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. અમેરીકન ડોલર નબળો પડતા અને વૈશ્વિક અશાંતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર સોનાના ભાવો વધી રહયા હોય સ્થાનીક બજારમાં સોનાના ભાવમાં ઉછાળો થઇ રહયો છે. ચાંદીમાં પણ સ્થાનીક અને વૈશ્વિકસ્તરે માંગ નિકળતા ભાવ વધારો થઇ રહયાનું અને આગામી દિવસોમાં હજુ પણ બંને કિંમતી ધાતુઓમાં નવી ભાવસપાટી જોવા મળે તેવી શકયતા છે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
