હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા રથના ત્રણેય પૈડા સંસદમાં સ્થાપિત કરવામાં આવશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ AJTAના પ્રસ્તાવ સાથે સંમતિ આપી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના પુરી રથયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા રથોના ત્રણ પૈડા સંસદ પરિસરમાં સ્થાપિત કરવાના પ્રસ્તાવ સાથે સંમતિ આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. SJTA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પુરીમાં શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત દરમિયાન, વહીવટીતંત્રે સંસદ પરિસરમાં રથના ત્રણ પૈડા સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બિરલાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.
SJTA ના મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધીએ શુક્રવારે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "માનનીય લોકસભા અધ્યક્ષે અન્ય મહાનુભાવો સાથે આજે શ્રી જગન્નાથ મંદિરમાં મહાપ્રભુના આશીર્વાદ લીધા હતા. રથયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા ત્રણ રથોમાંથી દરેકનું એક પૈડું સંસદ સંકુલમાં એક મુખ્ય સ્થાન પર સ્થાપિત કરવાના અમારા પ્રસ્તાવને સંમતિ આપવા બદલ અમે માનનીય અધ્યક્ષના ખૂબ આભારી છીએ." કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પુરીના સાંસદ સંબિત પાત્રા સાથે પહોંચેલા બિરલાનું શુક્રવારે લાયન્સ ગેટ ખાતે SJTAના મુખ્ય પ્રશાસક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
અરબિન્દા પાધીએ જણાવ્યું હતું કે નંદીઘોષ (ભગવાન જગન્નાથ), દર્પદલન (દેવી સુભદ્રા) અને ભગવાન બલભદ્ર (તલધ્વજ) ના રથના પૈડા દિલ્હી લઈ જવામાં આવશે અને ઓડિશાની કાલાતીત સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાના કાયમી પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવશે. વાર્ષિક રથયાત્રા પછી, દર વર્ષે દેવતાઓના ત્રણેય રથોને તોડી પાડવામાં આવે છે. નંદીઘોષ રથના મુખ્ય સુથાર વિજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, દર વર્ષે રથના નિર્માણમાં નવા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, સિવાય કે કેટલાક મુખ્ય ભાગો. તોડી પાડવામાં આવેલા રથના ભાગો વેરહાઉસમાં રાખવામાં આવે છે, અને તેમાંથી કેટલાકની હરાજી કરવામાં આવે છે, જેમાં પૈડાનો પણ સમાવેશ થાય છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM