<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

યમનના સનામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં હુથી વડા પ્રધાન અહેમદ અલ-રાહાવીનું મોત

અહમદ અલ-રાહાવી તેમના અન્ય મંત્રીઓ સાથે ગયા વર્ષની સરકારની કામગીરીની સમીક્ષા કરવા માટે એક વર્કશોપમાં હાજરી આપી રહ્યા હતા

સના : યમનની રાજધાની સનામાં હુથી-નિયંત્રિત સરકારના વડા પ્રધાન અહેમદ અલ-રાહાવીનું ઇઝરાયલી હવાઈ હુમલામાં મોત થયું હતું. બળવાખોર સશસ્ત્ર જૂથ હુથીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે થયેલા હુમલામાં અલ-રાહાવી અન્ય ઘણા મંત્રીઓ સાથે માર્યા ગયા હતા. જૂથે જણાવ્યું હતું કે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે અધિકારીઓ છેલ્લા વર્ષની સરકારની કામગીરીની સમીક્ષા કરવા માટે એક વર્કશોપમાં હાજરી આપી રહ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, હુમલા સમયે હુથી સંરક્ષણ પ્રધાન મોહમ્મદ અલ-અતી અને લશ્કરી વડા મોહમ્મદ અબ્દુલ-કરીમ અલ-ઘમારી પણ રાહાવી સાથે વર્કશોપમાં હાજર હતા. બંનેના મોતની પણ આશંકા છે. જોકે, હુથીઓએ હજુ સુધી બંનેના મોતની પુષ્ટિ કરી નથી.

ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હુથીએ 28 ઓગસ્ટના રોજ યમનથી ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. જવાબમાં, ઇઝરાયલી વાયુસેનાએ હુથી-નિયંત્રિત સના પર બોમ્બમારો કર્યો અને બળવાખોર જૂથના લશ્કરી ઠેકાણાઓ અને રાષ્ટ્રપતિ મહેલને નિશાન બનાવ્યો. અહેવાલો અનુસાર, ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 હુથી કમાન્ડર અને લડવૈયાઓ માર્યા ગયા અને 90 થી વધુ ઘાયલ થયા.

 

(9:02 PM IST)