<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ભારે કરી! પતિ વિદેશમાં કમાવા ગયો, પત્‍નીએ બીજા લગ્ન કરી લીધા

૩૦ લાખના ભરણપોષણનો કેસ પણ ઠોકી દીધો

બરેલી,તા.૦૨: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્‍લામાંથી એક સનસનીખેજ કિસ્‍સો સામે આવ્‍યો છે. જેને સાંભળી કદાચ તમને પણ લગ્ન પરથી વિશ્વાસ ઊઠી જશે. જી હાં, આ યુવક જોબ માટે ઓસ્‍ટ્રેલિયા ગયો હતો, પણ તેને ત્‍યારે ઝટકો લાગ્‍યો, જ્‍યારે તેને જાણવા મળ્‍યું કે તેની પત્‍નીએ છૂટાછેડા તો લઈ લીધા, પણ કોર્ટને ગુમરાહ કરી બીજા લગ્ન પણ કરી લીધા. એટલું જ નહીં ઉપરથી તેણે ૩૦ લાખ રૂપિયાના ભરણપોષણનો દાવો પણ ઠોકી દીધો.

 આ મામલો બરેલીના ઈજ્જતનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કુર્માંચલ વિસ્‍તારનો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં રહેતા કૈલાશ નયાલના લગ્ન ૮ માર્ચ ૨૦૧૧ના રોજ સ્‍વાતિ ભાકુની સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ-પત્‍ની વચ્‍ચે અણબનાવ અને લડાઈ શરુ થઈ ગઈ. જે બાદ કૈલાશ ઓક્‍ટોબર ૨૦૧૨માં ઓસ્‍ટ્રેલિયા જતો રહ્યો. સ્‍વાતીએ બીમાર હોવાનું કહીને તેણે સાથે જવાની ના પાડી દીધી.

૨૦૧૩માં સ્‍વાતિએ પોતાના પતિ અને સાસરિયા પક્ષ પર દહેજ ઉત્‍પીડનનો મામલો નોંધાવ્‍યો હતો. જે બાદ પંચાયત બેઠી અને ૧૨ લાખ રૂપિયામાં સમાધાન થયું. આરોપ છે કે સ્‍વાતિના પરિવારે છૂટાછેડા પહેલા જ એડવાન્‍સમાં ચેક બેન્‍કમાં જમા કરી દીધો, જે કૈલાશે કેન્‍સલ કરાવી દીધો, ચેક કેન્‍સલ થયા બાદ સ્‍વાતિએ પોતાના પતિ પર ચેક બાઉન્‍સનો પણ કેસ કરી દીધો.

આ મામલે ઈજ્જતનગર પોલીસે તપાસ શરુ કરી. પોલીસ તપાસમાં સામે આવ્‍યું કે, સ્‍વાતિએ હજુ છૂટાછેડા પણ નથી લીધા, વર્ષ ૨૦૨૨માં તેણે દિલ્‍હીના વિકાસપુરીના રહેવાસી એક અન્‍ય શખ્‍સ સાથે લગ્ન કરી લીધા. તેનો બીજો પતિ ગુરુગ્રામમાં આવેલી એક બેન્‍કમાં નોકરી કરતો હતો. બંનેએ મળીને દિલ્‍હીમાં પંજાબ નેશનલ બેન્‍કની શાખામાંથી ૮૮ લાખની લોન પણ લીધી હતી.

તપાસમાં સામે આવ્‍યું કે, સ્‍વાતિએ પોતાના બીજા લગ્ન અને નોકરીની જાણકારી કોર્ટથી છૂપાવી હતી અને પૂર્વ પતિ કૈલાશ પર ૩૦ લાખ રૂપિયાના ભરણપોષણનો દાવો પણ ઠોકી દીધો હતો. આ છેતરપિંડીનો ખુલાસો ત્‍યારે થયો, જ્‍યારે કૈલાશની માતાએ ઈજ્જતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે દસ્‍તાવેજ અને બેન્‍ક રેકોર્ડના આધાર પર આખી તપાસ કરી અને પુષ્ટિ થયા બાદ સ્‍વાતિ અને તેના પતિ વિરુદ્ધ સીજેએમ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી.

(9:37 AM IST)