News of Tuesday, 2nd September 2025
રેલવે મંત્રાલયે દેશની સૌથી મોટી બેંક SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે હાથ મિલાવ્યા
રેલવેના ૧૨ લાખ કર્મચારીઓઃ ૧૫ લાખ પેન્શનરોને SBI તરફથી વીમા લાભ

નવી દિલ્હી તા.૨: ભારતીય રેલ્વેમાં કામ કરતા લગભગ ૧૨ લાખ કર્મચારીઓ અને ૧૫ લાખ પેન્શનરો માટે એક મોટા સારા સમાચાર છે. રેલવે મંત્રાલયે દેશની સૌથી મોટી બેંક SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે હાથ મિલાવ્યા છે. આ બંને વચ્ચે એક કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર કર્મચારીઓને વીમા લાભ આપવા માટે છે. ગઈકાલે સાંજે રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમાર અને SBi અધ્યક્ષ CS Settyની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
SBI આ નવી ઓફર રેલ્વે કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આ વીમા યોજનાથી, જે રેલવે કર્મચારીઓનું સ્ટેટ બેંકમાં પગાર ખાતું છે તેમને પહેલા કરતા વધુ વીમા કવરેજ મળશે. આ કરારનો સૌથી મોટો ફાયદો એ છે કે જો કર્મચારીનું હવાઈ અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને ૧.૬ કરોડ રૂપિયાનો વીમા લાભ મળશે. આ ઉપરાંત, તેમના RuPay ડેબિટ કાર્ડ દ્વારા ૧ કરોડ રૂપિયા સુધીનું વધારાનું કવર પણ મળશે.
હવે જો કોઈ રેલવે કર્મચારીનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને ૧ કરોડ રૂપિયા સુધીનો વીમા લાભ મળશે. આ પહેલા કરતા ઘણું વધારે છે. પહેલાની સિસ્ટમમાં, રેલવેના ગ્રુપ A કર્મચારીઓને ૧.૨૦ લાખ રૂપિયા, ગ્રુપ B કર્મચારીઓને ૬૦,૦૦૦ રૂપિયા અને ગ્રુપ C કર્મચારીઓને ૧ કરોડ રૂપિયા આપવામાં આવતા હતા. SBI ના કર્મચારીઓને ૩૦,૦૦૦ રૂપિયાના વીમા કવરનો લાભ મળતો હતો. આ વીમો કેન્દ્ર સરકારના કર્મચારી જૂથ વીમા યોજના (CGEGIS) હેઠળ ઉપલબ્ધ હતો. એટલું જ નહીં, હવે જો કોઈ કર્મચારી અકસ્માતમાં સંપૂર્ણપણે અપંગ થઈ જાય છે, તો તેને ૧ કરોડ રૂપિયાનો વીમા લાભ મળશે. જો તે આંશિક રીતે અપંગ હોય, તો તેને ૮૦ લાખ રૂપિયા સુધીનું કવર મળશે.
હવે જો SBI માં ખાતું ધરાવતો કર્મચારી સામાન્ય અથવા કુદરતી મૃત્યુથી મૃત્યુ પામે છે, તો પણ તેને ૧૦ લાખ રૂપિયાનો વીમા લાભ મળશે. આ માટે, તેમને એક પણ પૈસાનું પ્રીમિયમ ચૂકવવાની જરૂર રહેશે નહીં. રેલ્વે કર્મચારીની ઉંમર ગમે તેટલી હોય, તેમને કોઈપણ તબીબી પરીક્ષણ વિના આ વીમા લાભ મળશે. એકમાત્ર શરત એ છે કે તે કર્મચારીનું પગાર ખાતું SBI માં ખોલવામાં આવે. મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર, હાલમાં લગભગ ૭ લાખ રેલ્વે કર્મચારીઓ SBI માં પગાર ખાતા ધરાવે છે.
આ નવા કરારથી, જે રેલ્વે પેન્શનરો SBI માં ખાતું ધરાવે છે તેમને ૩૦ લાખ રૂપિયાના વ્યક્તિગત અકસ્માત (મૃત્યુ) કવરનો લાભ પણ મળશે.
આ કરાર હેઠળ, રેલ્વે કર્મચારીઓને SBI માં ખાતું રાખવા પર કેટલાક અન્ય લાભો મળશે. જેમ કે તેમને વ્યક્તિગત, ઘર, કાર અને શિક્ષણ લોન લેવા પર અન્ય કરતા ઓછા વ્યાજ દર ચૂકવવા પડશે. આ સાથે, તેમને પ્રોસેસિંગ ફીમાં ૫૦ કે ૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. તેમને લોકર ચાર્જમાં પણ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમનું ખાતું શૂન્ય બેલેન્સનું હશે એટલું જ નહીં, તેઓ SBI નેટવર્ક પર અમર્યાદિત ATM વ્યવહારો પણ કરી શકશે.
હવે રેલ્વે કર્મચારીઓને SBI પગાર ખાતાના ડેબિટ કાર્ડ પર મફત એરપોર્ટ લાઉન્જનો લાભ મળશે. તેઓ એક ક્વાર્ટરમાં ત્રણ મફત લાઉન્જની મુલાકાત લઈ શકશે.(૩૮.૩)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
