<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે : રાત્રે સાડા પાંચ કલાકનો અવકાશી નજારો જામશે

ચંદ્રગ્રહણ કાળમાં બ્‍લડ મુન એટલે કે રકતવર્ણમાં જોવા મળશે : ભારત, ઓસ્‍ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં આ ચંદ્રગ્રહણ દેખાશે : મુંબઇમાં ગ્રહણ નિદર્શન માટે વિજ્ઞાન જાથાની તડામાર તૈયારી : રાજયભરમાં ખગોળપ્રેમીઓએ ગ્રહણ નિહાળવા અપીલ

રાજકોટ તા. ૨ : દેશ-વિદેશમાં તા.૭ સપ્‍ટેમ્‍બરના રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે. રાત્રે સાડા પાંચ કલાક સુધી આ અવકાશી નજારો જોઇ શકાશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યુ છે કે સંવત ૨૦૮૧ ભાદરવા સુદ પૂનમના તા. ૭ ના રવિવારે કુંભ રાશી અને શતતારા તથા પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં થનારૂ આ ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારત ઉપરાંત એશિયા, ઓસ્‍ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં પણ દેખાશે. આ વખતે ચંદ્ર બ્‍લડ મૂન એટલે કે રકતવર્ણમાં આહલાદક જોવા મળશે. રાજયભરમાં લોકો સ્‍વયં ગ્રહણ નિહાળે અને ખગોળીય ઘટનાનું અવલોકન કરે તેવી વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે.

ભારતીય સમય મુજબ ગ્રહણ સ્‍પર્શ ૨૦ કલાક ૫૮ મીનીટે અને ગ્રહણ મોક્ષ ૨૬ કલાક ૨૫ મીનીટે થશે. એટલે કે સંપૂર્ણ ગ્રહણ કાળ પ કલાક ૨૭ મીનીટનો રહેશે.

જાથા દ્વારા મુંબઇમાં ગ્રહણ નિદર્શન માટેના કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ કરાઇ છે.  જીજ્ઞાશુઓએ વધુ માહીતી માટે જાથાના કાર્યાલયના મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા અને પોતે ગ્રહણ નિદર્શનની કરેલ વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી આ નંબર ઉપર મોકલી આપવા યાદીના અંતમાં જણાવ્‍યુ છે. 

(1:20 PM IST)