<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ભારત-ચીન સંબંધોમાં નવો અધ્યાય: ચીનના 'ચાણક્ય' કેઈ ચીનું સ્મિત પીએમ મોદી સાથે ૪૫ મિનિટની મુલાકાતમાં જોવા મળ્યું, દુનિયાભરમાં આશ્ચર્ય!

કેઈ ચી: ચીનના શક્તિશાળી વ્યક્તિ: મુલાકાતની ખાસિયત: શી જિનપિંગે પોતે કેઈ ચીને ભારત-ચીન સંબંધો સુધારવા માટે પીએમ મોદીને મળવા કહ્યું હતું.

બીજિંગ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તાજેતરની ચીન મુલાકાત ઘણી રીતે ઐતિહાસિક સાબિત થઈ રહી છે. માત્ર શિખર સંમેલનમાં ભાગ જ નહીં, પરંતુ ભારતના વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ખાસ અને સૌથી શક્તિશાળી ગણાતા વ્યક્તિ કેઈ ચી સાથે ૪૫ મિનિટ સુધી બેઠક કરી. આ બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે કેઈ ચીને ચીનના "ચાણક્ય" તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ હંમેશા ગંભીર રહે છે. આ બેઠક દરમિયાન તેમનું હાસ્ય અને હકારાત્મક વર્તન ભારત-ચીન સંબંધોના નવા અધ્યાયની શરૂઆતનો સંકેત આપી રહ્યું છે.
 કેઈ ચી ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સચિવાલયના સર્વોચ્ચ સભ્ય અને પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. જોકે, તેમનું મહત્વ તેમના પદ કરતાં પણ વધારે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની નિકટતાને કારણે છે. તેઓ શી જિનપિંગના જમણા હાથ માનવામાં આવે છે અને બેઇજિંગમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઓળખાય છે. કેઈ ચી સામાન્ય રીતે બહુ ઓછા હસે છે અને તેમનું વ્યક્તિત્વ અત્યંત ગંભીર માનવામાં આવે છે, જેના કારણે તેમની મુલાકાત વધુ ખાસ બની જાય છે.
 આ બેઠક તિયાનજિનમાં યોજાઈ હતી અને શી જિનપિંગે પોતે કેઈ ચીને ભારત-ચીન સંબંધો સુધારવા માટે પીએમ મોદીને મળવા કહ્યું હતું. બેઠકની શરૂઆતમાં કેઈએ મજાક કરતા કહ્યું કે શી જિનપિંગે તેમને બપોરનું ભોજન કરાવવા કહ્યું હતું, પરંતુ પછી તેમને જાણ થઈ કે પીએમ મોદી વધુ ખાવાનું પસંદ કરતા નથી. આ દરમિયાન કેઈ હસતા જોવા મળ્યા, જેણે બધાને ચોંકાવી દીધા.
બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેઈ ચીને જે રીતે સન્માન આપવામાં આવ્યું છે, તેનાથી સંકેત મળે છે કે તેમને ભારત-ચીન સંબંધોને સુધારવા માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકથી એવી અપેક્ષા વધી છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સ્થિરતા આવશે અને રાજકીય તેમજ આર્થિક સહકાર વધશે.

(8:30 PM IST)