News of Tuesday, 2nd September 2025
મનોજ જરંગેએ ઉપવાસનો અંત આણ્યો: 'આજે અમારા માટે દિવાળી છે,' મરાઠા અનામતની મુખ્ય માંગણીઓ સ્વીકારાતા થયા ભાવુક
સરકારે સ્વીકારી માંગણીઓ: OBC સમુદાયમાં વિરોધનો સૂર: તેમને ડર છે કે મરાઠાઓને OBC ક્વોટામાં સમાવેશ કરવાથી તેમનું પોતાનું અનામત ઘટશે.

મુંબઈ : મરાઠા અનામત આંદોલનના મુખ્ય નેતા મનોજ જરંગે પાટીલે મુંબઈના આઝાદ મેદાનમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા પોતાના ઉપવાસનો અંત આણ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારી લેતા, તેમણે જ્યુસ પીને ઉપવાસ તોડ્યો અને આ પ્રસંગે ભાવુક થઈને કહ્યું, "આજે અમારા માટે દિવાળી છે, કારણ કે અમને જે જોઈતું હતું તે મળ્યું."
ઉપવાસ તોડતા પહેલા, સરકારે મરાઠા અનામત પર એક કેબિનેટ સબ-કમિટીની રચના કરી હતી, જેના વડા રાધાકૃષ્ણ વિખે પાટીલ હતા. આ સમિતિએ મનોજ જરંગેને માંગણીઓ સ્વીકારવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો જરંગેએ સ્વીકાર કર્યો. સરકારે આંદોલનની ૮માંથી ૬ મુખ્ય માંગણીઓ પર સર્વસંમતિ દર્શાવી છે:
કુણબી જાતિનો દરજ્જો: મરાઠાવાડા ક્ષેત્રના તમામ મરાઠાઓને કુણબી (OBC) જાતિ તરીકે માન્યતા આપવામાં આવશે. જૂના દસ્તાવેજો (હૈદરાબાદ ગેઝેટિયર)ના આધારે મરાઠા-કુણબી એક જ જાતિ ગણાશે, જેનાથી તેમને OBC ક્વોટામાં ૧૦% અનામતનો લાભ મળશે.
પ્રમાણપત્રની પ્રક્રિયા: મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા ઝડપી બનાવાશે. ન્યાયમૂર્તિ શિંદે સમિતિને દસ્તાવેજોની તપાસ માટે ૩૦ જૂન, ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
સગપણનો લાભ: જો પરિવારના એક સભ્યને કુણબી પ્રમાણપત્ર મળે છે, તો તેના સંબંધીઓને પણ એક જ વંશ તરીકે ગણીને OBC અનામતનો લાભ મળશે.
કેસ પાછા ખેંચાશે: આંદોલન દરમિયાન નોંધાયેલા તમામ ફોજદારી કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવશે.
આર્થિક સહાય અને નોકરી: આંદોલનમાં મૃત્યુ પામેલા ૪૫ લોકોના પરિવારોને આર્થિક સહાય અને સરકારી નોકરી આપવામાં આવશે.
જ્યાં મરાઠા સમુદાય આ નિર્ણયથી ખુશ છે, ત્યાં રાજ્યના OBC સમુદાયે આનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. તેમને ડર છે કે મરાઠાઓને OBC ક્વોટામાં સમાવેશ કરવાથી તેમનું પોતાનું અનામત ઘટશે. OBC નેતા છગન ભુજબળે આ નિર્ણયનો વિરોધ કરવાનો સંકેત આપ્યો છે, જેના કારણે આગામી સમયમાં OBC સમુદાય પણ વિરોધ પ્રદર્શન શરૂ કરી શકે છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
