<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ખેડૂતોને મોટી રાહત મળવાની અપેક્ષા :ખાતર સહિત ખેતીના તમામ સાધનો સસ્તા ભાવે મળશે

જીએસટી કાઉન્સિલની 56મી બેઠક પહેલા સંકેતો મળ્યા : કૃષિ ક્ષેત્રને લગતી ઘણી વસ્તુઓ પર ટેક્સમાં મોટો ઘટાડો થઈ શકે

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને ખેતીમાં સહાયની અનેક યોજનાઓ ચાલી રહી છે. ત્યારે જીએસટી કાઉન્સિલની બેઠકથી ખેડૂતોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠક પહેલા પણ એવા સંકેતો મળી રહ્યા છે કે કૃષિ ક્ષેત્રને લગતી ઘણી વસ્તુઓ પર ટેક્સમાં મોટો ઘટાડો થઈ શકે છે. નોધનીય છે કે, 26 ઓગસ્ટે નાણામંત્રી નિર્મલા સીતારમણને એફએઆઇનું એક પ્રતિનિધિમંડળ મળ્યું હતું અને જીએસટી દરોમાં ફેરફારની માંગ કરી હતી

   ખેડૂતો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેક્ટર, ખાતર, સિંચાઈના સાધનો અને કૃષિ સાધનો પરનો ટેક્સ ઘટાડવાની શક્યતા છે. ખાતર ઇડસ્ટ્રીએ સરકાર સમક્ષ ઇનપુટ્સ પર ટેક્સ ઘટાડવાની માંગણી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જીએસટી માળખામાં ફેરફારનો સીધો લાભ હવે દેશના કરોડો ખેડૂતોને મળશે. ટ્રેક્ટર, કૃષિ સાધનો, સિંચાઈના સાધનો અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓ હવે સસ્તી થવાની શક્યતા છે. 

   અત્યાર સુધી ખેડૂતોને ટ્રેક્ટર અને સંબંધિત સાધનો ખરીદતી વખતે ભારે જીએસટી ચૂકવવો પડતો હતો, પરંતુ નવી દરખાસ્તો અનુસાર હવે ટ્રેક્ટર પર ફક્ત 5 ટકા જીએસટી થશે. સીડ ડ્રીલ, થ્રેશર્સ, હેરો અને અન્ય કૃષિ સાધનો પર પણ કર દરમાં ઘટાડો શક્ય છે. આનાથી ખેતીનો મૂડી ખર્ચ ઘટશે અને ખેડૂતોને રાહત મળશે.  

ફર્ટિલાઇઝેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા (FAI) એ સરકારને એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પર GST 18ટકાથી ઘટાડીને 5 ટકા કરવા વિનંતી કરી છે. આ બંને રસાયણો ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP) અને મિશ્ર પોષક ખાતરના ઉત્પાદનમાં મુખ્ય કાચો માલ છે. જ્યારે તૈયાર ખાતરો પર માત્ર 5% જીએસટી હોય છે, ત્યારે ઇનપુટ્સ એટલે કે કાચા માલ પર 18% કર આર્થિક અસંતુલન બનાવે છે. આ કંપનીઓના ઇનપુટ ખર્ચમાં વધારો કરે છે અને આખરે આ બોજ ખેડૂતો પર પડે છે.

(7:34 PM IST)