<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

૧૧૦૦ કરોડ રુપિયામાં વેચાયો નેહરુનો ઐતિહાસિક બંગલો

ખરીદદારની ઓળખ ગોપનીય રાખવામાં આવી છેઃઆ સંપત્તિ ૧૭ યોર્ક રોડ પર આવેલી છે, જેને હવે મોતીલાલ નેહરુ માર્ગના નામથી ઓળખવામાં આવે છે

નવી દિલ્હી, તા.૩

લુટિયંસ દિલ્હીના દિલમાં આવેલા એક ઐતિહાસિક બંગલો, જે ક્યારેક ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસ હતું, લગભગ ૧૧૦૦ કરોડની એક મોટી સંપત્તિ ડિલમાં વેચાયો છે. આ સંપત્તિ ૧૭ યોર્ક રોડ પર આવેલી છે, જેને હવે મોતીલાલ નેહરુ માર્ગના નામથી ઓળખવામાં આવે છે. આ રાજધાનીની સૌથી મહત્ત્વપૂર્ણ સરનામામાંથી એક છે. FPJના રિપોર્ટ અનુસાર, આ ડિલ ૧૪૦૦ કરોડની શરુઆતી માગ કિંમતને ઘટાડીને અંતિમ રુપ આપવામાં આવ્યું છે.

આ વિરાસત બંગલાના હાલના માલિક રાજકુમારી કક્કડ અને બીના રાની છે, જે એક રાજસ્થાની શાહી પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે. આ સંપત્તિ ૧૪,૯૭૩ વર્ગ મીટર લગભગ ૩.૭ એકરમાં ફેલાયેલી છે અને તેમાં ૨૪,૦૦૦ વર્ગફુટનું બાંધકામ છે.

ખરીદદારની ઓળખ ગોપનીય રાખવામાં આવી છે. જો કે FPJના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે આ એક મુખ્ય ભારતીય ઉદ્યોગપતિ છે, જે પેય પદાર્થ ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

આ ખરીદદારી અંતિમ તબક્કામાં છે અને એક ટોચની લો ફર્મ સંપત્તિના કાયદાકીય તપાસ કરી રહી છે. એક પ્રક્રિયાત્મક પગલા અંતર્ગત કાનૂની પ્રતિનિધિઓએ પોતાના ગ્રાહક તરફથી એક સાર્વજનિક નોટિસ જાહેર કરી છે.

આ નોટિસમાં સંપત્તિ પર દાવો કરનારા કોઈ પણ પક્ષને સાત દિવસની અંદર આગળ આવવા માટે કહેવાયું છે. અન્યથા એવું માનવામાં આવશે કે કોઈ અન્ય દાવો નથી. આ બંગલાનું મહત્ત્વ તેના ઊંડા ઐતિહાસિક વિરાસત સાથે સંકળાયેલું છે. કારણ કે આ નેહરુનું પહેલું સત્તાવાર ઘર હતું અને તેનું સ્થાન લુટિયંસ બંગલા ઝોનમાં છે. આ ૨૮ વર્ગ કિમીનો વિસ્તાર, જેને બ્રિટિશ વાસ્તુકાર એડવિન લુટિયંસે ૨૦મી સદીની શરુઆતમાં ડિઝાઈન કર્યું હતું, રાજધાનીના સૌથી વિશિષ્ટ અને મોંઘો વિસ્તાર છે.

લુટિયંસ બંગલો ઝોનમાં લગભગ ૩૦૦૦ બંગલોથી વધારે સરકારી ફાળવેલા નિવાસ છે, જે મંત્રીઓ અને ન્યાયાધીશો માટે છે. અનુમાનિત ૬૦૦ બંગલા ખાનગી હાથમાં છે, જે હંમેશા દેશના સૌથી અમીર પરિવારો પાસે હોય છે. તેની વીઆઈપી લોકેશન, વિશાળ પ્લોટ સાઈઝ અને શાનદાર ઐતિહાસિક મહત્ત્વના કારણે આ સંપત્તિ ખાલી અમુક ગણ્યાગાંઠ્યા અબજોપતિઓ માટે જ સુલભ છે.

(10:13 PM IST)