News of Thursday, 4th September 2025
અમેરિકાના ફ્લોરિડામાં બાળકો માટેની તમામ રસી ફરજિયાત નહીં રહે: બાળ રસીકરણના નિયમો રદ કરવાની યોજનાથી વિવાદ: કોઈને પણ એ અધિકાર નથી કે તે નક્કી કરે કે કોઈ બાળકના શરીરમાં શું દાખલ કરવું જોઈએ: ફ્લોરિડાના સર્વોચ્ચ સ્વાસ્થ્ય અધિકારી જોસેફ લડાપોની જાહેરાત
અત્યારે, ફ્લોરિડામાં બાળકોને શાળામાં પ્રવેશ માટે ઓરી, ગાલપચોળિયાં, પોલિયો, અછબડા અને હેપેટાઇટિસ બી જેવી બિમારીઓ સામે રસી લેવી ફરજિયાત છે*

અમેરિકાનું ફ્લોરિડા રાજ્ય સરકાર શાળાના બાળકો માટેના તમામ રસીકરણ નિયમો રદ કરવાની યોજના ધરાવે છે. આ જાહેરાત બાદ અમેરિકામાં રાજકીય અને તબીબી વર્તુળોમાં ઉગ્ર વિવાદ ઊભો થયો છે. જો આ યોજના અમલમાં મુકાશે, તો ફ્લોરિડા આવું કરનારું અમેરિકાનું પહેલું રાજ્ય બનશે.
ફ્લોરિડાના સર્જન જનરલ (રાજ્યના સર્વોચ્ચ સ્વાસ્થ્ય અધિકારી) જોસેફ લડાપોએ જાહેરાત કરી છે કે ફ્લોરિડા રાજ્ય શાળામાં પ્રવેશ માટે બાળકો માટે ફરજિયાત રસીકરણના તમામ નિયમોને નાબૂદ કરશે. લડાપોએ આ નિયમોની સરખામણી "ગુલામી" સાથે કરી હતી અને કહ્યું કે કોઈને પણ એ અધિકાર નથી કે તે નક્કી કરે કે કોઈ બાળકના શરીરમાં શું દાખલ કરવું જોઈએ. તેમણે આ નિર્ણય પાછળ વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને પસંદગીનો તર્ક આપ્યો હતો.
અત્યારે, ફ્લોરિડામાં બાળકોને શાળામાં પ્રવેશ માટે ઓરી, ગાલપચોળિયાં, પોલિયો, અછબડા અને હેપેટાઇટિસ બી જેવી બિમારીઓ સામે રસી લેવી ફરજિયાત છે. લડાપોએ આ તમામ નિયમોને રદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જોકે, આ માટે કોઈ ચોક્કસ સમયરેખા કે વિગતો આપવામાં આવી નથી. કેટલાક નિયમો કાયદાકીય મતદાન દ્વારા રદ કરવા પડશે, જ્યારે કેટલાકને રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દૂર કરી શકાય છે.
આ નિર્ણયની તબીબી નિષ્ણાતો અને વિપક્ષી નેતાઓ દ્વારા તીવ્ર ટીકા થઈ રહી છે. ઘણા તબીબી જૂથો લડાપો પર રસી સંબંધિત ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂકી રહ્યા છે. રાજ્યના ડેમોક્રેટિક ધારાસભ્ય અન્ના એસ્કામાનીએ આ યોજનાને "ગંભીર અને જોખમી" ગણાવી હતી અને કહ્યું કે આ "સનશાઇન સ્ટેટ" (ફ્લોરિડા) માટે જાહેર આરોગ્યની દૃષ્ટિએ એક આપત્તિ હશે.
આ મુદ્દે દેશભરમાં વિવાદ જોવા મળી રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુ.એચ.ઓ) અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સી.ડી.સી) અનુસાર, રસીઓએ છેલ્લા ૫૦ વર્ષમાં લાખો લોકોના જીવન બચાવ્યા છે.
ફ્લોરિડાના આ નિર્ણય સામે, વોશિંગ્ટન, ઓરેગોન અને કેલિફોર્નિયા જેવા ડેમોક્રેટ-શાસિત રાજ્યોએ રસીકરણ સહિતના આરોગ્ય સંબંધી મુદ્દાઓ પર સંકલન કરવા માટે એક ગઠબંધન બનાવવાની જાહેરાત કરી છે. આ રાજ્યોએ ટ્રમ્પ પ્રશાસન અને તેમના સ્વાસ્થ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી, જુનિયર દ્વારા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાં કરવામાં આવેલા ફેરફારોની ટીકા કરી છે, જેઓ પોતે રસીના મુદ્દે શંકાશીલ વલણ ધરાવે છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
