પશ્ચિમનો વસાહતી યુગ સમાપ્ત: પુતિને અમેરિકાને આપી લાલ આંખ, કહ્યું – ભારત અને ચીન સાથે આ રીતે વાત ન થાય!
પુતિને આશા વ્યક્ત કરી કે આખરે બધું ઉકેલાઈ જશે અને સામાન્ય સંવાદ ફરી શરૂ થશે: યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ભારત અને ચીનના યોગદાનની પણ ખૂબ પ્રશંસા કરી

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2025: ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને સીધો અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પુતિને ટ્રમ્પ વહીવટીતંત્રને વેપાર પ્રતિબંધો અને ટેરિફ દ્વારા ભારત અને ચીનને દબાવવાનો પ્રયાસ ન કરવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપી, અને કહ્યું કે, "તમે ભારત કે ચીન સાથે આ રીતે વાત કરી શકતા નથી."
પુતિનની અમેરિકાને કડક ચેતવણી
પશ્ચિમી દેશોની નીતિને વસાહતીવાદનો પડઘો ગણાવતા, પુતિને ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાએ તેની જૂની માનસિકતા છોડવી પડશે. તેમણે કહ્યું કે, "તમારી પાસે ભારત જેવા દેશો છે જેમની વસ્તી 1.5 અબજ લોકો છે, અને ચીન જેવી શક્તિશાળી અર્થવ્યવસ્થા છે. તેમની પાસે પોતાના સ્થાનિક રાજકીય તંત્ર અને કાયદા છે."
પુતિને કહ્યું કે જો કોઈ દેશના નેતાને એમ કહેવામાં આવે કે તેમને સજા આપવામાં આવશે, તો તે નેતાએ પોતાની રાજકીય કારકિર્દીનો અંત ન આવે તે માટે સાવચેત રહેવું પડે છે. તેમણે કહ્યું કે, "વસાહતી યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. તેમને સમજવું પડશે કે તેઓ ભાગીદારો સાથે વાતચીત કરતી વખતે આવા શબ્દોનો ઉપયોગ કરી શકતા નથી."
વધતા વેપાર તણાવનું પરિણામ
પુતિનની આ ટિપ્પણીઓ વધતા જતાં વેપાર અને ભૂ-રાજકીય તણાવની પૃષ્ઠભૂમિમાં આવી છે. તાજેતરમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન તેલની આયાત વધારવા બદલ ભારત પરના ટેરિફને બમણા કરીને 50 ટકા કરી દીધા છે. આ ઉપરાંત, ચીન પણ વોશિંગ્ટન સાથેના વેપાર યુદ્ધમાં ફસાયેલું છે.
પુતિને આશા વ્યક્ત કરી કે આખરે બધું ઉકેલાઈ જશે અને સામાન્ય સંવાદ ફરી શરૂ થશે. તેમણે યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ભારત અને ચીનના યોગદાનની પણ ખૂબ પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે, SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા અને એકતાનું પ્રદર્શન કર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
