<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ભારત પર ટેરિફ એ સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે

USના સાંસદે ડોનાલ્ડ ટ્રમ્પને આપી મોટી ચેતવણીઃગ્રેગરી મીક્સે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી ટેરિફ બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોને જોખમમાં મૂકી રહ્યા છે

વોશિંગ્ટન, તા.૪

અમેરિકાની એક સાંસદે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગે ચેતવણી આપી છે. યુએસ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ ગ્રેગરી મીક્સે કહ્યું કે, ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલ ભારે ટેરિફ એ સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે, જેને વોશિંગ્ટન ઘણા દાયકાઓથી મજબૂત રીતે પોષી રહ્યું છે.

અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા સાથે મુલાકાત બાદ વિદેશ બાબતોની સમિતિમાં ડેમોક્રેટિક પાર્ટીના ટોચના રાજકારણી ગ્રેગરી મીક્સે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી ટેરિફ બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોને જોખમમાં મૂકી રહ્યા છે.

ગ્રેગરી મીક્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવાની મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, યુક્રેનમાં શાંતિ માટેની આપણી સહિયારી આશાની ચર્ચા કરી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના મનસ્વી ટેરિફ અંગે મારી ચિંતા વ્યક્ત કરી હતી, જે ભારત-અમેરિકાની મહત્વપૂર્ણ ભાગીદારીને જોખમમાં મૂકી રહ્યા છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે, કોંગ્રેસ યુએસ-ભારતની ભાગીદારીને સંપૂર્ણ સમર્થન આપે છે, જે છેલ્લા ૨૫ વર્ષોમાં, ખાસ કરીને ક્વાડ સમિટ દ્વારા વધુ ગાઢ બની છે.

યુએસમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ યુએસ સાંસદ મીક્સનો તેમના સતત માર્ગદર્શન અને મજબૂત સમર્થન બદલ આભાર માન્યો હતો.

 આ ઉપરાંત, તેમણે કહ્યું કે, બંનેએ વેપાર, ઊર્જા, ઈન્ડો-પેસિફિક અને પરસ્પર હિતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, ક્વાત્રાએ કોંગ્રેસનલ એનર્જી એક્સપોર્ટ કોકસના અધ્યક્ષ કેરોલ મિલર સાથે પણ અલગથી મુલાકાત કરી હતી. આ દરમિયાન, તેમણે કેરોલ સાથે ભારતની ઊર્જા સુરક્ષા અને યુએસ સાથે વધતા હાઇડ્રોકાર્બન વેપાર વિશે ચર્ચા કરી હતી.

રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરવા બદલ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મનસ્વી રીતે ભારત પર ૫૦ ટકાનો વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે થોડા સમય પહેલા જ ભારત પર લાગુ કરવામાં આવ્યો છે. જોકે, ભારત પર ભારે ટેરિફ લાદવા બદલ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પના આ પગલાથી વોશિંગ્ટનમાં એક નવો વિવાદ ઉભો થયો છે. યુએસ કોંગ્રેસના સાંસદોએ ટ્રમ્પ પર ચીન અને રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતા અન્ય મોટા આયાતકારોને બાકાત રાખીને ઇરાદાપૂર્વક ભારતને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.

(8:14 PM IST)