<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

'' હવે 150 વર્ષ સુધી જીવવું શક્ય બની શકે'' :પુતિન-જિનપિંગ વચ્ચેની વાતચીત વાયરલ : કિમ જોંગ હસતા જોવા મળ્યા

વિક્ટરી ડે પરેડ દરમિયાન માઇક્રોફોનમાં રૅકોર્ડ થયેલી આ વાતચીતે વૈશ્વિક મીડિયાનું ધ્યાન ખેંચ્યું

ચીનમાં યોજાયેલી વિક્ટરી ડે પરેડ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે એક આશ્ચર્યજનક વાતચીત થઈ છે, જેનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન તેઓ બાયો-ટૅક્નોલૉજીની મદદથી 150 વર્ષ સુધી જીવવા અંગે ચર્ચા કરી રહ્યા હોવાનું સંભાળાઈ રહ્યું છે. તેમની આ ચર્ચા સાંભળીને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન હસતાં જોવા મળ્યા. માઇક્રોફોનમાં રૅકોર્ડ થયેલી આ વાતચીતે વૈશ્વિક મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે.  

 મીડિયા રિપોર્ટ મુજબ, શી જિનપિંગે કહ્યું કે, ‘લોકો ભાગ્યે જ 70 વર્ષથી વધુ જીવે છે, પરંતુ આજકાલ 70 વર્ષની ઉંમરે પણ તમે બાળકો જેવા જ છો.’ તેના જવાબમાં, પુતિનના ટ્રાન્સલેટરે કહ્યું કે, ‘બાયો-ટૅક્નોલૉજીનો સતત વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે મનુષ્યના અંગોનું સતત ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. લોકો વૃદ્ધાવસ્થામાં પણ યુવાન થઈ શકે છે અને અમર પણ બની શકે છે.’ ત્યારબાદ જિનપિંગે બોલ્યા કે, ‘ભવિષ્યવાણી છે કે આ સદીમાં લોકો માટે 150 વર્ષ સુધી જીવવું શક્ય બની શકે છે.’ 

   પરેડ બાદ પત્રકારો સાથે વાત કરતાં પુતિને આ વાતચીતની પુષ્ટિ કરી છે અને કહ્યું કે, ‘મેડિકલ ક્ષેત્રે થયેલા ડેવલપમેન્ટ અને ઓર્ગન રિપ્લેસમેન્ટ સંબંધિત તમામ પ્રકારની સર્જરીથી લોકોમાં આશા જન્મે છે કે, આવનારો સમય અત્યારના જેવો નહીં રહે.’ જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર ઓર્ગન રિપ્લેસમેન્ટથી વૃદ્ધાવસ્થાને રોકી શકાતી નથી.

(8:40 PM IST)