News of Thursday, 4th September 2025
માર્ગ અકસ્માતની કબર: 66% મૃત્યુ 18 થી 45 વર્ષના યુવાનોના, હવે શાળાઓમાં ભણાવાશે 'રોડ સેફ્ટી'નો પાઠ: શિક્ષણ મંત્રાલય સાથે સહયોગ
અકસ્માતોને અટકાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ પણ શરૂ: ડ્રાઇવરના થાક અને સુસ્તીને ઓળખી શકે તેવા ખાસ ઉપકરણો લાગુ, લોકોની માનસિકતા બદલવા પર ધ્યાન કેન્દ્રિત

નવી દિલ્હી, : ભારતમાં માર્ગ અકસ્માતોના ભયાનક આંકડાઓ સામે લડવા માટે કેન્દ્ર સરકારે એક ક્રાંતિકારી પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે દેશભરની શાળાઓ અને કોલેજોના અભ્યાસક્રમમાં માર્ગ સલામતીનો પાઠ ફરજિયાતપણે સમાવી લેવામાં આવશે.
મંત્રી ગડકરીએ જણાવ્યું કે, દેશમાં માર્ગ અકસ્માતોમાં થતા કુલ મૃત્યુમાંથી 66 ટકા મૃત્યુ માત્ર 18 થી 45 વર્ષની વયજૂથના યુવાનોના થાય છે. આ ગંભીર આંકડાને ધ્યાનમાં રાખીને, તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને નાનપણથી જ માર્ગ સલામતી વિશે પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવું એ ભવિષ્યના જવાબદાર નાગરિકોને તૈયાર કરવાની દિશામાં એક મુખ્ય પગલું છે.
માત્ર કાયદા નહીં, શિક્ષણથી જાગૃતિ
નવી દિલ્હીમાં FICCI રોડ સેફ્ટી એવોર્ડ્સ અને સિમ્પોઝિયમ 2025 ને સંબોધતા, શ્રી ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય સાથે સહયોગ કરી રહ્યું છે જેથી સમગ્ર ભારતમાં માર્ગ સલામતીના પાઠને અભ્યાસક્રમનો ભાગ બનાવી શકાય.
આ પહેલ ફક્ત શિક્ષણ સુધી સીમિત નથી. સરકારે અકસ્માતોને અટકાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. ડ્રાઇવરના થાક અને સુસ્તીને ઓળખી શકે તેવા ખાસ ઉપકરણો લાગુ કરવામાં આવ્યા છે, જે અકસ્માતોને થતા અટકાવશે. આ સાથે, મંત્રીએ માર્ગ સલામતી માટે સામૂહિક જવાબદારી અને જનભાગીદારીના મહત્વ પર પણ ભાર મૂક્યો.
આ નિર્ણય દર્શાવે છે કે સરકાર માત્ર માર્ગો સુધારવાને બદલે લોકોની માનસિકતા બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ભવિષ્યમાં સુરક્ષિત ભારતના નિર્માણ માટે અત્યંત જરૂરી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
