<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

પૂરગ્રસ્ત પંજાબમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત : 23 જિલ્લાના 1902 ગામ પાણીમાં ગરકાવ : 3. 84 લાખથી વધુ લોકો પ્રભાવિત

અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 20,972 લોકોને સ્થળાંતરિત કરાયા :24 કલાકમાં વધુ છ લોકોના મોત થતા 14 જિલ્લાઓમાં મૃત્યુઆંક વધીને 43 થઈ ગયો

નવી દિલ્હી :આખું પંજાબ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. આ કુદરતી આફતમાં 43 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1.71 લાખ હેક્ટરમાં ફેલાયેલા પાકનો નાશ થયો છે. 23 જિલ્લાના 1902 ગામડા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી 3,84,205 લોકો પ્રભાવિત થયા છે. ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 20,972 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

પંજાબના મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે, અભૂતપૂર્વ પૂરને કારણે 23 જિલ્લાઓના કુલ 1,902 ગામો પ્રભાવિત થયા છે, જેનાથી 3.84 લાખથી વધુ વસ્તી પ્રભાવિત થઈ છે. અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 20,972 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 24 કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે. આ સાથે 14 જિલ્લાઓમાં મૃત્યુઆંક વધીને 43 થઈ ગયો છે.

તેમણે કહ્યું કે હોશિયારપુર (7), પઠાણકોટ (6), બરનાલા અને અમૃતસર (5-5), લુધિયાણા અને ભટિંડા (4-4), માનસા (3), ગુરદાસપુર અને SAS નગર (2-2), પટિયાલા, રૂપનગર, સંગરુર, ફાઝિલ્કા અને ફિરોઝપુર (1-1) માં મૃત્યુ નોંધાયા છે. પઠાણકોટમાં ત્રણ લોકો ગુમ છે. પૂર સંબંધિત આંકડા 1 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીના સમયગાળાના છે.

તેમણે કહ્યું કે 1.71 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન પર ઉભા પાકને વ્યાપક નુકસાન થયાના સમાચાર છે, જેમાં ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલ્કા, ફિરોઝપુર, કપૂરથલા અને માનસા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે.

આ દરમિયાન, AAP વડા કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને મદદ કરવા અપીલ કરી છે. કેજરીવાલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, હું કેન્દ્ર સરકારને વિનંતી કરવા માંગુ છું કે આ ભયાનક પરિસ્થિતિમાં પંજાબને શક્ય તેટલી મદદ કરે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનને આપેલી મદદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મેં હમણાં જ જોયું છે કે ભૂકંપ આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનને ઘણી મદદ મોકલી છે. તે સારી વાત છે, જો વિશ્વમાં ક્યાંય પણ કંઈક થાય છે, તો આપણે મદદ કરવી જોઈએ, પરંતુ જો પંજાબમાં આટલું મોટું સંકટ આવે છે, તો કેન્દ્ર સરકારે પણ પંજાબને મદદ કરવી જોઈએ.

(11:54 AM IST)