News of Saturday, 6th September 2025
યુએઈના રણમાં અચાનક ધોધમાર વરસાદ: અલ ઐન, ફુજૈરા અને અને રાસ અલ ખૈમામાં ભારે વરસાદ અને કરા પડ્યા: વાતાવરણમાં ગજબનાકનો પલટો: ગયા વર્ષે પણ યુએઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો

જ્યારે દુબઈમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળ્યા; ક્લાઈમેટ ચેન્જ અને ક્લાઉડ સીડિંગને કારણે આવો અસામાન્ય વરસાદ પડ્યાનું મનાય છે
સંયુક્ત આરબ અમીરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અચાનક વરસાદી વાતાવરણ સર્જાયું છે. અલ ઐન, ફુજૈરા અને રાસ અલ ખૈમામાં ભારે વરસાદ અને કરા પડ્યા છે, જ્યારે દુબઈમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. ક્લાઈમેટ ચેન્જ અને ક્લાઉડ સીડિંગને કારણે આવા અસામાન્ય વરસાદ વધ્યા છે. સ્થાનિક લોકોને આ વરસાદ આશીર્વાદ જેવો લાગ્યો છે, પરંતુ પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અડચણો આવી છે. નેશનલ સેન્ટર ઑફ મેટેઓરોલોજીએ ચેતવણી જારી કરી છે.
યુનાઈટેડ આરબ એમિરેટ્સના રણમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે યુએઈમાં વર્ષો સુધી વરસાદ પડતો નથી. અમુક પહાડી વિસ્તારોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ પડે તો એ પણ મોટી વાત ગણાય. રણમાં વરસાદ પડે એવી શક્યતા હોતી નથી અને સ્થાનિક લોકોને રણમાં વરસાદની આશા પણ હોતી નથી. જોકે, હવે ક્લાઈમેટ ચેન્જના કારણે ન થવાનું થઈ રહ્યું છે. યુએઈના રણમાં ગરમ રેતીના તોફાનોની નવાઈ નથી, એના બદલે અચાનક ધોધમાર વરસાદ પડી ગયો છે. આ વરસાદને સ્થાનિક લોકોએ એવી રીતે માણ્યો છે, જાણે આકાશમાંથી વરસાદ નહીં, આશીર્વાદ વરસ્યા હોય.
યુએઈનું રણ તેની ગરમ આંધી માટે જાણીતું છે. રણમાં રહેતા લોકો માટે રેતીના ધૂળિયા તોફાનોની નવાઈ નથી. અગનભઠ્ઠી જેવા રણમાં ચામડી બાળી નાખે તેવી ગરમ હવા ફૂંકાતી રહે છે. પરંતુ એવા રણમાં અચાનક વરસાદ પડ્યો છે. આગ ઓકતા સૂર્ય નારાયણને જાણે વાદળોએ ઢાંકી દીધા હોય એ રીતે વાદળો ઘેરાયા છે અને પછી ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો છે.
દુબઈ સહિતના શહેરોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. આ વરસાદને માણવા માટે લોકો રસ્તા પર આવી ગયા હતા. જોકે, યુએઈમાં વરસાદ પડતો ન હોવાથી ત્યાંની પરિવહન સિસ્ટમ પણ એને અનુરૂપ નથી. તેના પરિણામે વરસાદી પાણી અને કિચડની અગવડો ભોગવવી પડી છે. સોશિયલ મીડિયામાં લોકોએ ઉત્સાહથી વીડિયો શેર કર્યા છે. અમુક વીડિયોમાં તો કારનું વાઈપર ચાલતું હોવા છતાં સામેનું દૃશ્ય દેખાતું ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે.
ક્લાઈમેટ ચેન્જના કારણે યુએઈની વેધર પેટર્ન છેલ્લાં બે-ચાર વર્ષમાં બદલાઈ ગઈ છે. ગયા વર્ષે જ યુએઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો. અમુક રણ વિસ્તારોમાં આમ વરસાદનું એક ટીપું પડતું નથી, તો અમુક વિસ્તારોમાં માંડ બે-અઢી ઈંચ વાર્ષિક વરસાદ પડે છે ત્યાં ગયા વર્ષે સરેરાશ વાર્ષિક ૧૦ ઈંચ વરસાદ વરસ્યો હતો. દુબઈમાં એક સામટો પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો એનો પણ રેકોર્ડ નોંધાયો હતો.
દુબઈમાં અત્યારે ૪૦ લાખથી વધુ લોકો રહે છે, તેમના માટે આ વરસાદ આશ્વર્ય લઈને આવ્યો છે. દાયકાઓથી દુબઈમાં રહેતા લોકોએ આટલો વરસાદ એક સાથે ક્યારેય જોયો ન હતો. દુબઈમાં રહેતા ભારતીયો સહિત ભારતીય ઉપખંડના દેશોના લોકોએ તો ભારે વરસાદ અને ભયાનક પૂરની સ્થિતિ જોઈ હોય છે. આવા ભારતીય ઉપખંડના લોકો માટે દુબઈમાં આટલા વર્ષોમાં વસવાટ બાદ એક સામટો ચાર-પાંચ ઈંચ વરસાદ પડે તે સુખદ આશ્વર્ય આપનારી બાબત બની જાય છે. હવે ક્લાઈમેટ ચેન્જના કારણે યુએઈની વેધર પેટર્ન બદલાઈ જતાં સરકાર બાંધકામોમાં એ ફેક્ટરને ધ્યાનમાં રાખવાની તાકીદ કરી રહી છે.
યુએઈમાં એક કરોડ જેટલા લોકો રહે છે. તેમને પાણીની અછતનો સામનો કરવો પડે છે. દુનિયામાં પાણીની કારમી તંગી ભોગવતા સાત દેશોમાં એક યુએઈ છે ત્યારે અચાનક ત્રાટકેલો વરસાદ તેમના માટે ભીંજાવાનો અવસર લઈને આવે છે. નેશનલ સેન્ટર ઑફ મેટેઓરોલોજીએ જણાવ્યું છે કે, પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં વધુ અસર જોવા મળી છે..
આ વર્ષે યુએઈમાં ક્લાઉડ સીડિંગની ૧૮૫ કામગીરી કરવામાં આવી છે, જેમાં જુલાઈમાં જ ૩૯ મિશન હતા. આ કારણે વરસાદમાં વધારો થયો છે, પરંતુ તેના જોખમો પણ છે જેમ કે પૂર અને ધૂળના તોફાનો. એક્સ પ્લેટફોર્મ પર લોકોએ વરસાદના વીડિયો શેર કર્યા છે, જેમાં દુબઈમાં વરસાદ અને ધૂળના તોફાનોના દૃશ્યો જોવા મળે છે. તાપમાનમાં ઘટાડો આવ્યો છે અને ભેજ વધ્યો છે, જે રણ પ્રદેશ માટે અસામાન્ય છે. સરકારે લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
