News of Saturday, 6th September 2025
અભિનેત્રીએ બંધક બનાવી બંદૂકની અણીએ 10 લાખ પડાવી લીધા: પ્રોડ્યુસરનો ગંભીર આરોપ : પોલીસ ફરિયાદ દાખલ
ફિલ્મ નિર્માતા કૃષ્ણકુમાર વીરસિંહ મીણા એટલે કે કે. કુમાર દ્વારા અભિનેત્રી નિકિતા ધાગ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા

મુંબઈ : ફિલ્મ નિર્માતા કૃષ્ણકુમાર વીરસિંહ મીણા એટલે કે કે. કુમાર દ્વારા અભિનેત્રી નિકિતા ધાગ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે નિકિતા અને તેના સાથીઓએ મને બંધક બનાવીને બંદૂકની અણીએ 10 લાખ રૂપિયા પડાવ્યા છે. જેથી આ ઘટનાને લઈને તેમણે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે.
પ્રોડ્યુસરે જણાવ્યું કે 14 ઓગસ્ટની રાતે નિકિતા ધાગ 10થી વધારે લોકો સાથે તેમના સ્ટુડિયો ચિત્રલેખા હેરિટેજ પહોંચી. તે સમયે તેઓ તેમના અમુક મિત્રો સાથે કેબિનમાં બેઠા હતા. અચાનકથી 10 થી 15 લોકો અંદર ઘુસ્યા અને ગાળો બોલવા લાગ્યા. સાથે જ તેને ધાક ધમકી આપીને 25 લાખ રૂપિયાની માગણી કરી હતી.
જ્યારે પ્રોડ્યુસરે આ વાતનો વિરોધ કર્યો તેમને માર મારવામાં આવ્યો. આ દરમિયાન એક આરોપીએ છરી કાઢી અને અન્ય એક આરોપીએ બંદૂક બતાવી અને તેમને ડરાવવામાં આવ્યા. ધમકી અને ભયના માહોલ વચ્ચે પ્રોડ્યુસરે પોતાના ફોનમાંથી ઓટીપી વેરિફિકેશન દ્વારા 10 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા
વાત માત્ર આટલેથી નથી પૂરી થતી. કારણકે આરોપીઓએ તેમના કર્મચારી પાસેથી બળજબરી પૂર્વક એક ઈ મેઈલ પણ કરાવ્યો. જેમાં આ રકમને નિકિતા ધાગની એક્ટિંગની ફી એડવાન્સ બતાવવામાં આવી હતી. પ્રોડ્યુસરે જણાવ્યું કે તેમને અંદાજે 3 કલાક સુધી સ્ટૂડિયોમાં બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. સાથે જ જતા સમયે સ્ટાફને પણ ધમકી આપી કે જો પોલીસને જાણ કરી તો તેનું ગંભીર પરિણામ આવશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અંબોલી પોલીસે અભિનેત્રી નિકિતા ધાગ, સહિત અન્ય 15 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે. જેથી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ આ મામલે હવે તપાસ કરી રહી છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
