<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ખડગેની 'ડિનર ડિપ્લોમસી' : INDI બ્લોકના સાંસદો સાથેની બેઠકમાં એકતાનો સંદેશ અપાશે

વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીના સમર્થન માટે બેઠક : અસદુદ્દીન ઓવૈસીનો પણ ટેકો મળ્યો

નવી દિલ્હી: આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં, વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોકે પોતાની એકતા દર્શાવવા માટે એક મોટું રાજકીય પગલું ભર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ બ્લોકના તમામ સાંસદોને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. આ ડિનરનું આયોજન સોમવારે (૮ સપ્ટેમ્બર) સંસદ ભવનના એનેક્સીમાં કરવામાં આવશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિપક્ષી એકતાને વધુ મજબૂત બનાવવાનો અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીના સમર્થનને સુનિશ્ચિત કરવાનો છે.
આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને તાજેતરમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું પણ સમર્થન મળ્યું છે. ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "તેલંગાણાના સીએમઓએ આજે મારી સાથે વાત કરી અને વિનંતી કરી કે અમે ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુદર્શન રેડ્ડીને સમર્થન આપીએ. AIMIM એક હૈદરાબાદી અને સન્માનિત ન્યાયવિદ્ ન્યાયમૂર્તિ રેડ્ડીને પોતાનો ટેકો આપશે."
ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ૯ સપ્ટેમ્બરે યોજાશે, જેમાં વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીનો સીધો મુકાબલો NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સાથે થશે. ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે ૨૧ જુલાઈના રોજ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપતા આ પદ ખાલી થયું હતું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાર મંડળ સંસદના બંને ગૃહોના સાંસદોથી બનેલું હોય છે.

 

(4:23 PM IST)