<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ગણેશ વિસર્જન યાત્રામાં સામાન્ય ભક્તની જેમ જોડાયા : ભક્તોના હર્ષોલ્લાસ વચ્ચે ગિરગાંવ ચોપાટી સુધી બાપ્પાને વિદાય આપી

લાલબાગચા રાજાની શોભાયાત્રામાં જોડાઈને વ્યક્ત કરી આરાધ્ય દેવ પ્રત્યેની અનન્ય ભક્તિ : લાખો મુંબઈકરોની જેમ સડક પર ઉતરી પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

મુંબઈ: મુંબઈના માનીતા દેવતા, ભગવાન ગણેશે પોતાના ભક્તો સાથે દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા પછી, તેમને વિદાય આપવાનો સમય આવ્યો હતો. આ ભવ્ય અને લાગણીસભર ક્ષણે તેમને વાજતેગાજતે વિદાય આપનારી ભીડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ જોડાયા હતા. લાખો મુંબઈકરોની જેમ તેઓ પણ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપવા માટે સજ્જ હતા.
અનંત અંબાણી ખાસ કરીને લાલબાગચા રાજાની શોભાયાત્રામાં જોડાયા હતા અને પોતાના આરાધ્ય દેવ પ્રત્યેની અનન્ય ભક્તિ અભિવ્યક્ત કરી હતી. તેઓ વર્ષોથી લાલબાગચા રાજાના પંડાલમાં નિયમિતપણે દર્શન કરવા જતા રહ્યા છે, અને અવારનવાર સિદ્ધિવિનાયક મંદિર સુધી પદયાત્રા કરીને પણ ભગવાન ગણેશ પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કરતા રહ્યા છે.
મુંબઈના એક સામાન્ય રહેવાસીની જેમ અનંત અંબાણી આ શોભાયાત્રામાં જોડાઈને, ગિરગાંવ ચોપાટી સુધીની વિસર્જન યાત્રાના અંતિમ તબક્કામાં પણ બાપ્પા સાથે રહ્યા હતા. અત્રે ઉપસ્થિત અન્ય તમામ ભક્તોની જેમ, તેઓ પણ હવે ૨૦૨૬માં વિઘ્નહર્તાનું ફરીથી સ્વાગત કરવા માટે વધુ એક વર્ષ રાહ જોશે.

 

(8:15 PM IST)