હિમાલયની અવગણના ભારે પડશે : પહાડોની વ્યવસ્થા ખોરવાશે તો મેદાની વિસ્તારો પણ સુરક્ષિત નહીં રહી શકે
ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને જમ્મુકાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં વરસાદે જે વિનાશ વેર્યો; લેન્ડ સ્લાઈડ અને ભૂસ્ખલનની મારથી જમ્મુકાશ્મીર પણ બાકાત નહીં રહી શક્યુ.

નવી દિલ્હી : દેશના પહાડી રાજ્યોમાં ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને જમ્મુકાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં વરસાદે જે વિનાશ વેર્યો છે તે સહુ કોઈએ જોયો છે. હિમાચલ પ્રદેશમાં અને ખાસ કરીને કૂલુ મનાલીથી જે ડરામણા દૃશ્યો સામે આવ્યા તે વ્યથિત કરી દેનારા હતા. લેન્ડ સ્લાઈડ અને ભૂસ્ખલનની મારથી જમ્મુકાશ્મીર પણ બાકાત નહીં રહી શક્યુ. ત્યારે જો આપણે વિચારી રહ્યા હોય કે પહાડોની લેન્ડસ્લાઈડ અને નદીઓના પૂરથી સર્જાયેલો વિનાશ, વાદળો ફાટવાથી થઈ રહેલા નુકસાન એ માત્ર આ પહાડી રાજ્યો પૂરતી સમસ્યા છે તો આ ભૂલભરેલુ છે. જો આ પહાડોની વ્યવસ્થા ખોરવાશે તો મેદાની વિસ્તારો પણ સુરક્ષિત નહીં રહી શકે. પહાડો તૂટશે તો મેદાનો પણ ઝપેટમાં આવશે. જેની તસવીરો હાલ પંજાબથી સામે આવી જ રહી છે
પંજાબમાં આ વર્ષનું સૌથી ભયાનક પૂર જોવા મળી રહ્યુ છે. જે આજ સુધી ક્યારેય આવ્યુ નથી. પંજાબના અનેક જિલ્લાઓ, શહેરો અને ગામોમાં તણાઈ ગયા છે. જેનાથી લાખો લોકો પ્રભાવિત થયા છે. લાખો લોકોના ઢોર ઢાંખર, ઘરો, દુકાનો બધુ જ પૂર તાણી ગયુ છે. બધુ જ બર્બાદ થઈ ગયુ છે. માથા પર છત પણ નથી રહી ત્યારે આ લોકોનું જીવન ફરી ક્યારે પાટા પર આવશે તે મોટો સવાલ છે. જો કે પૂરગ્રસ્ત લોકો માટે અનેક મદદના હાથ ઉઠ્યા છે પરંતુ વિનાશ એટલો મોટો છે કે જેટલી મદદ મળે એટલી ઓછી પડે.
જો પૂરની આ ભયાનક્તા અને તેના કારણોને સમજવાનો પ્રયાસ કરીએ તો સમજાશે કે હવે આ સ્થિતિ માત્ર પહાડી રાજ્યો પૂરતી સિમિત નથી રહી ગઈ. આપણે જોયુ જ છે કે જમ્મુકાશ્મીર, લદ્દાખથી લઈને નોર્થ ઈસ્ટ સહિતના હિમાલયી રાજ્યોમાં તો માત્ર 5 કરોડની વસ્તી વસવાટ કરે છે. એકલા ગુજરાતની પણ વસ્તી તેનાથી વધુ છે. પરંતુ આ દેશના કરોડો લોકો અનેક ચીજવસ્તુઓ માટે આ હિમાલયન સ્ટેટ પર આધારીત છે. હિમાલયને વોટર ટેંક ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે, જ્યાંથી ગંગા,યમુના જેવી 10 થી વધુ મોટી નદીઓ વહે છે. એક અંદાજ અનુસાર તેનાથી દેશના 60 કરોડની વસ્તીને સિંચાઈ માટે અને પીવાનું પાણી મળે છે. આ રાજ્યોનું દેશની જીડીપીમાં મહત્વનું યોગદાન રહેલુ છે
હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સ, ટુરીઝમ અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી દેશની જીડીપી મોટુ યોગદાન આપે છે. આ રાજ્યો દેશના 16 ટકા ભૌગૌલિક ક્ષેત્રોને કવર કરે છે અને સૌથી મોટી બાબત એ છે કે હિમાલયન સ્ટેટ્સ દેશના એક મોટા હિસ્સાની ઋતુઓને, ત્યાના પર્યાવરણને અને ત્યાંની ઈકોલોજીને અને તેની ઈકોનોમીને પ્રભાવિત કરે છે.
ભારતના નક્શામાં જમ્મુકાશ્મીરથી લઈને નોર્થ ઈસ્ટ સુધી નજર કરશો તો સ્પષ્ટ રીતે જાણવા મળશે કે આ હિમાલય ક્યા પ્રકારે દેશનું સુરક્ષા કવચ છે. દેશની સુપ્રીમ કોર્ટ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચુકી છે. થોડા દિવસ પહેલા હિમાલયી રાજ્ય હિમાચલ પ્રદેશમાં આડેધડ થઈ રહેલા ઈન્ફ્રા ડેવલપમેન્ટ અને બેકાબૂ પ્રવાસન અને ઈકોલોજીને થઈ રહેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા ટિપ્પણી કરી કે હિમાચલ પ્રદેશ ક્યાંક એક દિવસ દેશના નક્શામાંથી ગાયબ થઈ જશે.
છેલ્લા બે મહિનામાં આપણે હિમાચલની સ્થિતિ જોઈ છે. કુલુ મનાલીમાં બિયાસ નદી વિનાશક રીતે વહેતી જોવા મળી છે. જો કે એવુ નથી કે બિયાસનું આ રૌદ્ર રૂપ પ્રથમવાર જોવા મળ્યુ હોય. હિમાલયના ગ્લેશિયરમાંથી નીકળનારી આ નદી છે. તો તેના કુદરતી વેગથી તો વહેવાની જ છે. જો ક્યારેક તેમા પાણી ઓછુ થઈ જાય તો તેનો મતલબ એવો તો બિલકુલ નથી કે તે ક્યારેય તેના નેચરલ ફોમમાં ક્યારેય પાછી નહીં આવે.
મનાલીમાં શેર-એ-પંજાબ હોટેલ એકદમ બિયાસ નદીના કિનારે બનાવવામાં આવી હતી. નદી તેના રૌદ્ર રૂપમાં પરત આવી અને બધુ જ વહાવીને લઈ ગઈ. માત્ર હોટેલનો ફ્રન્ટ ગેટ જ નિશાનીરૂપે બચ્યો. બાકીનું બધુ જ નદી પોતાની સાથે તાણી ગઈ. આપણુ કમનસીબ ગણો તો એ પરંતુ આપણે આપણી નદીઓની સાથે બળજબરી કરી રહ્યા છીએ. સતત કાંઠા વિસ્તારો પર દબાણ વધારી રહ્યા છે. ગેરકાયદે બાંધકામો ઉભા કરી દેવામાં આવી રહ્યા છે અને આથી જ નદીઓને તેના કુદરતી પ્રવાહમાં વહેવાનો કોઈ માર્ગ આપણે ખાલી છોડ્યો નથી. તેનું પરિણામ આપણી નજરની સામે જ છે.
મનાલીમાં જે પ્રકારે પૂર આવ્યુ તે જ દર્શાવે છે કે આડેધડ ખડકી દેવાયેલા બાંધકામનું જ આ પરિણામ છે. મનાલીમાં જે સ્થળે રાયસેનનો ટોલ પ્લાઝા હતો ત્યાં આજે બિયાસ નદી વહી રહી છે. આ ઘટનાને જોતા તો એવુ જ લાગી રહ્યુ છે કે નદી પુરેપુરો ટોલ વસુલવા માટે પાછી ફરી છે. નદીની પ્રકૃતિ જ હોય છે વહેવાની તેના રસ્તામાં જો માણસો હોટેલો, રેસ્ટોરન્ટસ ઉભા કરી દેશે તો કોઈના કોઈ દિવસે તો નદી પોતાના સ્થાન પર પરત ફરવાની જ છે.
બે વર્ષની અંદર બિયાસ નદી તેના કિનારાને પરત લેતી લેતી ક્યાંની ક્યાંય પહોંચી ગઈ. પરંતુ આપણે એ સંકેતોને સમજવાને બદલે એકદમ કિનારે રોડ ઉભા કરી દીધા. તેના પર બહુમાળી ઈમારતો ઉભી કરી દેવામા આવી. પરિણામ નજરની સામે જ છે. પૂર આવ્યુ ત્યારે ન તો હાઈવે બચ્યો ના તો બહુમાળી ઈમારતો.
પહાડો કાપીને ફોરલેન હાઈવે બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ પૂરમાં આપણે ચંડીગઢથી મનાલી જતા ફોરલેન હાઈવેની તસવીરો જે સામે આવી તે અત્યંત ભયાવહ છે. તેનો એક મોટો હિસ્સો બિયાસ નદીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. કુદરતની સાથે બળજબરી કરવાનું પરિણામ દરેકે ભોગવવુ જ પડશે.
ઉત્તરાખંડમાં પહેલા ધરાલીમાં આવેલુ પૂર, જે બાદ થરાલીમાં પણ એ જ પેટર્નથી થયેલી દુર્દશા આપણે સહુએ જોઈ. ધરાલી બજારનુ તો નામોનિશાન રહ્યુ નથી. એજ પ્રકારે હિમાચલનું મંડી હોય કે મનાલી આ પહાડી નગરો ડિસ્ટર્બ થઈ રહ્યા છે. ટુરિઝમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામે જે આડેધડ નિર્માણો થયા છે તે તમામનો પ્રકૃતિ પોતાની રીતે હિસાબ માગી રહી છે. આથી જ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વારંવાર વિચારવા મજબુર કરે છે કે જો આમ જ ચાલતુ રહેશે તો એક દિવસ હિમાચલ નક્શામાંથી ગાયબ થઈ જશે.
જો કે સૌથી મોટો સવાલ તો એ છે કે શું આપણે આ ચેતવણીઓને ગંભીરતાથી લઈએ છીએ. કુદરતી આપદાઓ ઘટી ગયા પછી બહુ જલદી આપણે તેને ભૂલી જઈએ છીએ. 2013ની કેદારનાથ આપદામાંથી આપણે શું બોધપાઠ લીધો.એ સમયે જે નિર્ણયો લેવાયા હતા, જે આદેશો છોડાયા હતા કે નદીઓની આસપાસના 200 મીટરના એરિયામાં કોઈ જ નિર્માણકાર્ય નહીં કરવામાં આવે તેનો અમલ તો થઈ જ નથી રહ્યો. જો તેની અમલવારી થઈ હોત તો કદાચ ધરાલી કે થરાલી જેવી આપદાને ટાળી શકાઈ હોત.
આપણે હિમાલયન સ્ટેટને દેવભૂમિ કહીએ છીએ, તેનુ મહિમામંડન તો ખૂબ કરીએ છીએ પરંતુ તેને ભગવાન ભરોસે નહીં છોડી શકાય. પહાડોને બચાવવા હશે તો વિચારવુ જ પડશે. આ આપદાઓ માણસની ભૂલો અને માણસની લાલચની જ ફલશ્રુતિ રૂપે આવેલી છે.
દર વર્ષે આપણે જોઈએ છીએ કે દેશના ચાર રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુકાશ્મીર અને અસમમાં સૌથી વધુ પૂરની સ્થિતિ સર્જાય છે. આ વર્ષે આ પુરની ઝપેટમાં પંજાબ પણ આવ્યુ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ હિમાલયન સ્ટેટમાં આવેલી કુદરતી આપદાઓને તેમની જિંદગીની સૌથી મોટી દુ:ખદ પળ ગણાવે છે. જસ્ટિસ સંજય કરોલને જણાવ્યુ કે આડેધડ રીતે થતા વૃક્ષોના નિકંદન પર તપાસ બેસાડવી જોઈએ. આ મામલે કડક કાર્યવાહીની માગ કરી. જસ્ટિસ સંજય કરોલે વિકાસના નામે પ્રકૃતિ સાથે કરાતા દખલને ગંભીર સમસ્યા ગણાવ્યુ છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ફરી ચીપકો આંદોલન જેવી ચળવળની આવશ્યક્તા પર ભાર મુક્યો. સાથે જ પ્રકૃતિ સાથે કરાઈ રહેલા દખલમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને પણ યોગ્ય ઠેરવ્યો છે.
જસ્ટીસ સંજય કરોલ ખુદ હિમાચલ પ્રદેશથી આવે છે. તેમણે કહ્યુ કે જે પ્રકારે વૃક્ષોનું આડેધડ છેદન થઈ રહ્યુ છે. તેની તપાસ થવી જરૂરી છે. જે પ્રકારે પૂરના પાણીમાં મોટાપાયે લાકડાને તણાતા જોવા મળ્યા હતા. આ જ સાબિત કરે છે કે ગેરકાયદે રીતે વૃક્ષો કપાઈ જ રહ્યા છે, ત્યારે સવાલ થવા જરૂરી છે કે આ લાકડા કોણ કાપી રહ્યુ છે. કોની સાંઠગાંઠથી કપાઈ રહ્યા છે. તેની તપાસ થવી જોઈએ. ચાર રાજ્યોમાં જે પ્રકારે હાલ પૂરની સ્થિતિ છે તે દૃશ્યો ભયાનક છે.
જસ્ટિસ સંજય કરોલે કહ્યુ કે વિકાસના નામ પર નેચરના કામમાં દખલ દેવામાં આવી રહ્યુ છે. કેટલુ દખલ દેવુ જોઈએ, એ વિચારવુ પડશે. હ્યુમન લાઈફ અને સંપત્તિનો વિનાશ થયો છે અને ઈકો સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. હિમાલય સાથે કેટલી દખલગીરી કરવી એ વિચારવુ પડશે. જ્યારે એક વૃક્ષ કપાય છે તો મેદાની વિસ્તારોમાં અસર પડે છે. આજે પણ સમયની માગ છે કે ચીપકો આંદોલન જેવી ચળવળ ચાલવી જોઈએ. રોડ-રસ્તાના નિર્માણની દેખરેખ માટે કોઈ એજન્સી પણ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
