News of Monday, 8th September 2025
'ચૌપદી પ્રથા': ૨૧મી સદીમાં પણ નેપાળની દીકરીઓ અને વહુઓ પર લટકતી તલવાર!: નેપાળ સરકારે ૨૦૧૭માં આ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી
કાયદા અને જાગૃતિ અભિયાનો છતાં, અંધશ્રદ્ધા અને સામાજિક દબાણવશ પશ્ચિમ નેપાળના અછામ, બાજુરા અને કંચનપુર જેવા વિસ્તારોમાં આ પ્રથા આજે પણ જીવંત

૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫: દુનિયાએ ભલે ચંદ્ર પર પગ મૂકી દીધો હોય, પણ નેપાળના કેટલાક પછાત વિસ્તારોમાં આજે પણ સદીઓ જૂની અને ક્રૂર 'ચૌપદી પ્રથા' જીવંત છે. આ પ્રથા, જે માસિક ધર્મને લગતી છે, સ્ત્રીઓ માટે એક ભયાનક સજા બની રહી છે.
પીરિયડ્સ, જે એક સામાન્ય જૈવિક પ્રક્રિયા છે, તેને નેપાળના ગ્રામીણ વિસ્તારોમાં અશુદ્ધિ અને દુર્ભાગ્યનું કારણ માનવામાં આવે છે. આ માન્યતા હેઠળ, માસિક ધર્મવાળી સ્ત્રીઓ અને યુવતીઓને તેમના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવે છે. તેમને ઘરની બહાર, પશુઓના તબેલામાં કે કાચી ઝૂંપડીઓમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, તેમને પૂરતું ખાવા-પીવાનું પણ આપવામાં આવતું નથી, અને તેઓ જંગલી પ્રાણીઓ, સાપ, વીંછી કે ઠંડીના ભોગ બને છે.
આ પ્રથાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દર વર્ષે ઘણી સ્ત્રીઓ અને યુવતીઓ આ ઝૂંપડીઓમાં દમ તોડી દે છે. નેપાળ સરકારે ૨૦૧૭માં આ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી અને ૨૦૧૮થી તેના પાલન માટે સખત સજાની જોગવાઈ કરી છે, જેમાં જેલ અને દંડનો સમાવેશ થાય છે.
પરંતુ, વાસ્તવિકતા એ છે કે કાયદા અને જાગૃતિ અભિયાનો હોવા છતાં, અંધશ્રદ્ધા અને સામાજિક દબાણ એટલું મજબૂત છે કે આ પ્રથા આજે પણ જીવંત છે. ખાસ કરીને પશ્ચિમ નેપાળના અછામ, બાજુરા અને કંચનપુર જેવા વિસ્તારોમાં, દીકરીઓ અને વહુઓને આજે પણ આ અમાનુષી પરંપરાનો ભાર વહન કરવો પડે છે. આ પ્રથા માત્ર તેમના શારીરિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.
નેપાળી મહિલાઓ માટે આ 'ચૌપદી'ની અશુદ્ધિની ઝૂંપડીમાંથી ક્યારે મુક્તિ મળશે, તે એક મોટો સવાલ છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
