<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ગેરકાયદેસર રીતે રહેતા લોકોનું આવી બનશેઃ ટ્રમ્‍પને ફ્રી હેન્‍ડ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્‍યોઃ ઇમિગ્રેશન નીતિ લાગુ કરવામાં ખુલ્‍લી છૂટ મળી ગઈ છે

 

વોશિંગ્‍ટન તા.૯: અમેરિકાની સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્‍યો છે. જેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને પોતાની ઇમિગ્રેશન નીતિ લાગુ કરવામાં ખુલ્‍લી છૂટ મળી ગઈ છે. હવે તેઓ અધિકારીઓને આદેશ આપી શકશે કે દરોડા પાડો અને લોકોને દેશમાંથી બહાર મોકલો. ખાસ વાત એ છે કે તેના માટે ખાલી એક નાની એવી શરત રાખી છે. જો એજન્‍ટને એ ખબર પડી જાય કે સામેવાળો અમેરિકી નાગરિક છે અથવા માન્‍ય રીતે દેશમાં રહે છે, તો તેને તરત છોડી દેવો જોઈએ. બાકી કિસ્‍સામાં એજન્‍ટ વિના વધારે પૂછપરછ કરી કાર્યવાહી કરી શકે છે.

આ નિર્ણય એવા સમયે આવ્‍યો છે, જ્‍યારે ટ્રમ્‍પ બીજી વાર રાષ્ટ્રપતિ બન્‍યા બાદ રેકોર્ડ સ્‍તર પર ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાંથી બહાર મોકલવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમનો દાવો છે કે તેનાથી દેશની સુરક્ષા મજબૂત થશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાગશે. પણ તેની સાથે પ્રવાસી સમુદાયમાં ડર અને ગુસ્‍સો પણ વધશે. કોર્ટે પોતાના આદેશમાં વધારે વિસ્‍તાર નથી આપ્‍યો, પણ આ સ્‍પષ્ટ કર્યું કે, ટ્રમ્‍પ પ્રશાસનને દરોડા અને ધરપકડમાં કોઈ ખાસ વંશ અથવા ભાષાને આધાર બનાવવાની મર્યાદિત અનુમતિ મળી શકે છે. જસ્‍ટિસ બ્રેટ કાવાનોએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ખાલી કોઈની જાતીય ઓળખ જોઈ શંકા કરવી યોગ્‍ય નથી, પણ જો આ જાણકારી અન્‍ય તથ્‍યો સાથે મળે છે તો તેનો ઉપયોગ કરી શકાય છે. તેમણે એવું પણ કહ્યું કે, જો સામેવાળો વ્‍યક્‍તિ નાગરિક છે અથવા કાનૂની રીતે દેશમાં છે તો એજન્‍ટ તેને તરત છોડી દે.

બીજી તરફ કોર્ટના ત્રણ ઉદારવાદી જજે આ નિર્ણયનો વિરોધ કર્યો. જસ્‍ટિસ સોનિયા સોટોમયોરે લખ્‍યું કે આ નિર્ણય જાણે એવું કહી રહ્યો છે કે, તમામ લેટિનો, પછી તે નાગરિક હોય કે ન હોય, ઓછા વેતનવાળી નોકરીઓ કરનારા લોકો, કોઈ પણ સમયે પકડી શકાય છે અને તેમને કાનૂની સ્‍થિતિ સાબિત કરવા માટે મજબૂર કરી શકાય છે. તેમણે કહ્યું કે, આપણી આઝાદી ખતરામાં છે. એટલા માટે હું આ નિર્ણયથી અસહમત છું. હકીકતમાં ટ્રમ્‍પ પ્રશાસને પહેલા પણ કેટલીય વાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્‍યો હતો. નીચલી કોર્ટે તેમની ઇમિગ્રેશન નીતિ પર રોક લગાવી હતી, પણ સુપ્રીમ કોર્ટે અત્‍યાર સુધી સત્તાવાર મામલામાં ટ્રમ્‍પનો સાથ આપ્‍યો છે.

લોસ એંજેલેસ અને આજુબાજુના વિસ્‍તારમાં આ દરોડાની અસર સ્‍પષ્ટ દેખાઈ રહી છે. ત્‍યાં રહેતા પ્રવાસી સમુદાયમાં ડરનો માહોલ છે. કેટલાય પરિવારો પોતાના ઘરમાં બંધ છે. બાળકોને સ્‍કૂલે મોકલતા ડરી રહ્યા છે અને કામ પર જતાં મૂંઝાઈ રહ્યા છે. અમુક જગ્‍યા પર તેનો વિરોધ પણ થયો છે, જેમાં લોકો ટ્રમ્‍પ પ્રશાસનની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.(૩૮.૮)

(10:16 AM IST)