<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

પીએમ મોદીની મણિપુર મુલાકાત પહેલા ભાજપને ઝટકો : ત્રણ નેતાઓ પાર્ટી સાથે છેડો ફાટ્યો : કોંગ્રેસમાં જોડાયા

દિલ્હીમાં AICC મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વાય સુરચંદ્ર સિંહ, એલ રાધાકિશોર સિંહ અને પાર્ટી નેતા ઉત્તમકુમાર નિંગથૌજામે કોંગ્રેસનો હાથ ઝાલ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુર મુલાકાત પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ત્રણ નેતાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. આ નેતાઓમાં બે ભૂતપૂર્વ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં, ત્રણેય નેતાઓ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસે  એક નિવેદનમાં આ માહિતી આપી.


કોંગ્રેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે સોમવારે દિલ્હીમાં AICC મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વાય સુરચંદ્ર સિંહ, એલ રાધાકિશોર સિંહ અને પાર્ટી નેતા ઉત્તમકુમાર નિંગથૌજામ કોંગ્રેસમાં જોડાયા. આ દરમિયાન, મણિપુરના AICC પ્રભારી સપ્તગિરી શંકર ઉલકા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કે મેઘચંદ્ર સિંહની હાજરીમાં તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે સુરચંદ્ર કાકચિંગ વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા, જ્યારે રાધાકિશોર ઓઈનમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. પ્રભારી ઉલકાએ કહ્યું કે ત્રણ નેતાઓના સમાવેશથી મણિપુરમાં કોંગ્રેસ મજબૂત થશે.


તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરે મણિપુર જશે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને, મણિપુરમાં રસ્તા બનાવવા ઉપરાંત, રસ્તામાં દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીની મુલાકાત પહેલા, ભૂતપૂર્વ સીએમ બિરેન સિંહ અને ઘણા ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. આ પછી, અટકળો શરૂ થઈ ગઈ કે મણિપુરમાં ટૂંક સમયમાં નવી સરકાર બની શકે છે.

કોંગ્રેસે પીએમ મોદીની મણિપુરની પ્રસ્તાવિત મુલાકાત પર નિશાન સાધ્યું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આ રાજ્યના લોકોનું અપમાન છે, જેમણે તેમના ધ્યાન માટે લગભગ 29 મહિના રાહ જોઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું - આટલી ઉતાવળની મુલાકાતથી તેઓ શું પ્રાપ્ત કરવાની આશા રાખે છે? આ ખરેખર રાજ્યના લોકોનું અપમાન છે, જેમણે 29 લાંબા અને પીડાદાયક મહિનાઓથી તેમની રાહ જોઈ હતી.

(6:56 PM IST)