<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

પિતાની પ્રાર્થના, બાળકીનું નવું જીવન- નેપાળથી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદ સુધીની ૩,૪૦૦ કિમી આશાની સફર

નીમા અને તેના પિતા શંભુ લામા

નેપાળના નુવાકોટ જિલ્‍લાના શાંત પહાડોમાંથી એક નિર્દોષ બાળકી - નીમા વાંગડી લામા (ઉંમર ૫ાા વર્ષ) જન્‍મથી જ ગંભીર હૃદયરોગથી પીડાતી હતી. પિતા શંભુ લામા અને માતા દિલમાયા માટે એ સૌથી મોટું દુઃખ હતું કે તેમની દીકરી નબળી, ઓછા વજનની અને અન્‍ય બાળકો જેવી સામાન્‍ય વૃદ્ધિ કરી શકતી ન હતી.

ઘરેલુ પરિસ્‍થિતિ નબળી, આવક મર્યાદિત અને સારવાર માટે કોઈ આશા ન હતી. પરિવાર દરરોજ એક જ પ્રાર્થના કરતો - ‘ભગવાન, અમારી દીકરીને બચાવો.' એ પ્રાર્થનાને સાકાર સ્‍વરૂપ મળ્‍યું ત્‍યારે એક દયાળુ વ્‍યક્‍તિએ તેમને માર્ગ બતાવ્‍યો કે શ્રી સત્‍ય સાઈહાર્ટ હોસ્‍પિટલ, અમદાવાદમાં બાળકોની હૃદયની સર્જરી સંપૂર્ણ મફતમાં કરવામાં આવે છે. આશાને સાથી બનાવી પરિવારએ ૩,૪૦૦ કિલોમીટરથી વધુનો કઠિન પ્રવાસ કર્યો-નેપાળના પહાડો, સરહદો અને મેદાનો પાર કરીને માત્ર એક આશા સાથે અમદાવાદ પહોંચ્‍યા- ‘અમારી દીકરીનું જીવન બચી જાય.''

૨૯ ઓગસ્‍ટ ૨૦૨૫ના રોજ નીમાને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી. થોડા જ દિવસોમાં, ૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ, તેની સફળ હૃદયની સર્જરી થઈ  તે પણ સંપૂર્ણ નિઃશુલ્‍ક. આજે જ્‍યારે નીમા પોતાના માતા પિતા સાથે હોસ્‍પિટલમાંથી સ્‍વસ્‍થ થઈને ડિસ્‍ચાર્જ થઈ રહી છે. ત્‍યારે તેની નિર્દોષ આંખોમાં નવી આશાની ચમક છે અને સ્‍મિતમાં નવા જીવનનો આનંદ.

આનંદથી આંસુ ભરેલા પિતા શંભુ લામા કહે છે ‘‘હું હોસ્‍પિટલના પ્રેમ, સેવા અને કરુણાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તમે મારી દીકરીને નવું જીવન આપ્‍યું છે  આ તો સાચે જ ઈશ્વરની કૃપા છે.'' નેપાળના પહાડોથી લઈને અમદાવાદના ઉપચાર સુધી  નીમાની સફર સાઈના નિસ્‍વાર્થ પ્રેમ અને માનવસેવાનું જીવંત ઉદાહરણ બની રહી છે.

શ્રી સત્‍યા સાઈ હાર્ટ હોસ્‍પિટલ, અમદાવાદ એ માત્ર સારવાર આપતી સંસ્‍થા નથી - તે માનવતાની સાચી પ્રતિમૂર્તિ છે, જ્‍યાં પ્રેમ, દયા અને નિઃસ્‍વાર્થ સેવાને આધારે જીવન બચાવવામાં આવે છે.

'દિલ વિધાઉટ બિલ' તરીકે ઓળખાતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ  રાજકોટ અને અમદાવાદ, છેલ્‍લા ૨૫ વર્ષથી આરોગ્‍ય સેવા ક્ષેત્રે માનવતાની અનોખી સુગંધ ફેલાવી રહી છે.

આ હોસ્‍પિટલ દ્વારા દેશના વિવિધ રાજ્‍યો  ઓડિશા, રાજસ્‍થાન, ઝારખંડ, આસામ, બિહાર, મધ્‍ય પ્રદેશ, ગુજરાત અને લેહ-લદ્દાખ સાથે કરાર કરવામાં આવ્‍યા છે, જેના આધારે ત્‍યાંના હૃદયરોગી દર્દીઓને અહીં સંપૂર્ણપણે વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવે છે.

ગુજરાતની આ બે હોસ્‍પિટલોએ અત્‍યાર સુધી ભારતના તમામ રાજ્‍યોમાંથી અને દેશની કુલ વસ્‍તીના ૬૦% થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્‍યું છે.

(7:41 PM IST)