<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ખર્ચા આસમાને! ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ ૨૦૨૫માં ૩૩% વધીને રૂ.૫૬૦૦૦ થયો

ઘર ખર્ચ સતત વધી રહ્યો છેઃ ૨૦૨૨માં ત્રિમાસિક ખર્ચ રૂ.૪૨૦૦૦ હતો

નવી દિલ્‍હી,તા.૧૦: મોંઘવારી દરરોજ વધી રહી છે, જેની અસર દેશના સામાન્‍ય પરિવારોના ખર્ચ પર પણ પડી રહી છે. ભારતમાં આ વર્ષે એટલે કે ૨૦૨૫માં સામાન્‍ય પરિવારોના ત્રિમાસિક ખર્ચમાં ૩૩ ટકાનો વધારો થયો છે, જે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. શહેરી અને ગ્રામીણ ભારતમાં ગ્રાહક વર્તણૂક પર ન્‍યુમેરેટર દ્વારા વર્લ્‍ડપેનલના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્‍યો છે. અહેવાલ મુજબ, શહેરી વિસ્‍તારોમાં સ્‍થાયી થયેલા પરિવારોના ઘર ખર્ચમાં દર વર્ષે રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. જોકે, ગ્રામીણ વિસ્‍તારોમાં પણ ઉછાળો આવ્‍યો છે.

ન્‍યુમેરેટર દ્વારા વર્લ્‍ડપેનલના અહેવાલમાં જણાવાયું છે કે ઘર ખર્ચ સતત વધી રહ્યો છે. ૨૦૨૨ માં સરેરાશ ત્રિમાસિક ખર્ચ ૪૨,૦૦૦ રૂપિયા હતો, જે ૨૦૨૫ માં વધીને ૫૬,૦૦૦ રૂપિયાથી વધુ થઈ ગયો. શહેરી પરિવારો સૌથી વધુ ખર્ચ કરી રહ્યા છે, પરંતુ ગ્રામીણ પરિવારોમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્‍યો છે, જે દેશભરના બજેટ પર વધતા દબાણને દર્શાવે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે શહેરી બજારોમાં સરેરાશ ત્રિમાસિક ખર્ચ જૂન ૨૦૨૨માં રૂ.૫૨,૭૧૧ હતો અને માર્ચ ૨૦૨૪માં તે વધીને રૂ.૬૪,૫૮૩ થયો હતો, જ્‍યારે માર્ચ ૨૦૨૫માં તે વધીને રૂ.૭૩,૫૭૯ થયો હતો. તેવી જ રીતે, ગ્રામીણ પરિવારોનો સરેરાશ ત્રિમાસિક ખર્ચ જૂન ૨૦૨૨માં રૂ.૩૬,૧૦૪ હતો અને માર્ચ ૨૦૨૫માં તે વધીને રૂ.૪૬,૬૨૩ થયો હતો. તમને જણાવી દઈએ કે આ રિપોર્ટ ૬,૦૦૦ પરિવારો વચ્‍ચે કરવામાં આવેલા સર્વે પર આધારિત છે.

(9:46 AM IST)