News of Wednesday, 10th September 2025
GST દરોડા વખતે સ્ટોક તફાવત હોય તો પણ કલમ ૧૩૦ પ્રમાણે કાર્યવાહી નહીં કરી શકાય
કલમ ૭૩ અથવા ૭૪ હેઠળ નોટિસ આપીને જ કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશ અલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદા સામે જીએસટી વિભાગ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો

નવી દિલ્હી,તા.૧૦: જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સ્ટોકનો તફાવત કે અન્ય કોઈ પણ ખામી મળી આવે તો તેવા કિસ્સામાં તેઓ પાસે રહેલા સ્ટોકની ગણતરી કરીને ૧૦૦ ટકા દંડ ફટકારવામાં આવતો હોય છે. સાથે સાથે તેઓ પાસે રહેલા સ્ટોકને સીઝ પણ કરી દેવાતો હોય છે. પરંતુ હવે આ રીતે કાર્યવાહી કરી નહીં શકાય તેવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કારણ કે અળશાભાદ કોર્ટે જીએસટી દરોડા વખતે સ્ટોક તફાવત હોય તેવા કિસ્સામાં કળમ ૭૩ અને ૭૪ પ્રમાણે નોટિસ જ આપી શકાય છે તેઓના સ્ટોકને સીઝ કરવાની સત્તા નથી તેવો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે જીએસટી વિભાગે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન કરી હતી. તેમાં સુધીમ કોર્ટે પણ અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાને માન્ય રાખીને દરોડા વખતે સ્ટોક તફાવત સહિતના કિસ્સામાં કલમ ૧૩૦ પ્રમાણે સ્ટોક સીઝ નહીં કરી શકાય તેવો આદેશ કર્યો છે.
સ્ટેટ જીએસટી દ્વારા દરોડાની કાર્યવાહી કરે ત્યારે મોટાભાગના કિસ્સામાં કલમ ૧૩૦ પ્રમાણે જ કાર્યવાહી કરીને તમામ વસ્તુઓ સીઝ કરી દેતી હોય છે. તેના કારણે સીઝ કરેલી વસ્તુઓ છોડાવવા માટે વેપારી દ્વારા મસમોટો દંડ પણ તાત્કાલિક ભરી દેવામાં આવતો હોય છે. આવી જ કાર્યવાહી અલ્હાબાદ ખાતે કરવામાં આવતા વેપારીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં રિટ પિટિશન કરી હતી. તેમાં કોર્ટે એવું જણાવ્યું હતું કે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડાવામાં આવે તો કલમ ૧૩૦ના બદલે કલમ ૭૩ અને ૭૪ પ્રમાણે જ કાર્યવાહી કરી શકે. એટલે કે ટેક્સ ચોરી કરવામાં આવી હોય તેવા કિસ્સામાં વિભાગ કલમ ૧૩૦ પ્રમાણે સામાન જપ્ત કરવાના બદલે તેને નોટિસ આપી શકે છે. તેની સામે જીએસટી વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. તેમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખીને કલમ ૧૩૦ના બદલે કલમ ૭૩ અને ૭૪ પ્રમાણે જ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
ગુજરાતના વેપારીઓ માટે હાશકારો આપતો નિર્ણય
સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચુકાદાનો સૌથી વધુ ફાયદો સુરત સહિત ગુજરાતના વેપારીઓને થવાનો છે, કારણ કે સામાન્ય કેસમાં પણ વિભાગ દ્વારા કલમ ૧૩૦ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જ્યારે હવેથી તે પ્રમાણે કાર્યવાહી કરી નહીં શકવાના કારણે વેપારીઓને થતી પરેશાનીમાં ચોક્કસપણે ઘટાડો થવાનો છે.(સીએ)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
