<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

જુનાગઢમાં મલિકાર્જુન ખડગેના હસ્‍તે કોંગ્રેસની શિબીરનો પ્રારંભઃ રાહુલ ગાંધી આવશે

ગિરનાર સાંનિધ્‍યે ભવનાથમાં પ્રેરણાધામ ખાતે ગુજરાતભરના જિલ્લા અને મહાનગરના પ્રમુખોને ૧૦ દિવસ પ્રશિક્ષણઃ કે. સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક, અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિ

જૂનાગઢ, જૂનાગઢના ભવનાથ સ્‍થિત પ્રેરણાધામ ખાતે આજથી કોંગ્રેસની દસ દિવસીય પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. જેમાં રાષ્‍ટ્રીય કોંગ્રેસના અધ્‍યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના અનેક રાષ્‍ટ્રીય નેતાઓ હાજરી આપશે. અહી રાષ્‍ટ્રીય કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકા અર્જુન ખડગેની હાજરીમા કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. જેમા ભાજપ સરકારના અન્‍યાય, અત્‍યાચાર અને ભ્રષ્ટાચાર સામે લડત માટે ખાસ ચર્ચા થશે.કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિર અંગે માહિતી આપતા પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ અધ્‍યક્ષ અમિત ચાવડાએ સર્કિટ હાઉસ ખાતે જણાવ્‍યુ હતુ કે કોંગ્રેસની દસ દિવસીય પ્રશિક્ષણ શિબિરમા કોંગ્રેસના અનેક દિગ્‍ગજ નેતાઓ હાજરી આપશે. ઉપરાંત સામાજિક ક્ષેત્રે જોડાયેલા અનેક મહાનુભાવો પણ હાજર રહેશે. હાલ ગુજરાતમા ભાજપ સરકારની નીતિથી યુવાઓ રોજગાર વગરના થયા છે અને કાયમી સરકારી ભરતી પણ થઈ રહેલ નથી. ઉપરાંત જણાવ્‍યુ હતુ કે રાજ્‍યમા કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પણ ખરાબ થઈ રહી છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦: જૂનાગઢમાં ગિરનાર સાનિધ્‍યે ભવનાથમાં પ્રેરણા ધામ ખાતે ગુજરાતભરના કોંગ્રેસના જિલ્લા અને મહાનગરના પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર સવારે શરૂ થઈ હતી. જેને કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ખુલ્લી મૂકી હતી.

એઆઈસીસી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન સુદ્રઢ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે જેની શરૂઆત ગુજરાત ખાતેથી થઈ છે કોંગ્રેસના નવા નિમાયેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોની ત્રણ દિવસની તાલીમ શિબિર તાજેતરમાં આણંદ ખાતે યોજાઇ હતી. બીજી તાલીમ શિબિર આજથી ભવનાથમાં પ્રેરણા ગામ ખાતે શરૂ થયેલ છે.

આગામી તારીખ ૧૯ સપ્‍ટેમ્‍બર સુધી ચાલનારી પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસનો પ્રશિક્ષિત કાર્યકર લોકોના પ્રશ્‍નો માટે આવનારા કાર્યક્રમો માટે, ચૂંટણીલક્ષી મેનેજમેન્‍ટ, સરકારનો અન્‍યાય, અત્‍યાચાર, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર લડી શકે તે માટે પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી છે.૧૦ દિવસ ચાલનારી શિબિરમાં રાજકીય સામાજિક અને અન્‍ય ક્ષેત્રના આગેવાનો જિલ્લા અને મહાનગરના કોંગી પ્રમુખોને માર્ગદર્શન આપશે.કોંગ્રેસના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ, મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા,  વિધાનસભા કોંગ્રેસ પક્ષના તુષાર ચૌધરી સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં આગામી તા. ૧૮ સપ્‍ટેમ્‍બરના રોજ રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા માટે ઉપસ્‍થિત રહેશે. (રર.૬)

(10:55 AM IST)