હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફ્રાન્સમાં ઘમાસાણ! : નવ નિયુક્ત વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુ સામે ‘બ્લોક એવરીથિંગ’ પ્રદર્શનોનો પડકાર : ૮૦,૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત : ૨૦૦થી વધુની ધરપકડ
બે વર્ષમાં પાંચમા વડાપ્રધાન તરીકે સત્તા સંભાળતા જ લેકોર્નુને આર્થિક સંકટ અને વિરોધ પક્ષોના અવરોધોનો સામનો કરવાનો વારો : બજેટને લઈને ડાબેરી અને જમણેરી પક્ષો સામસામે

પેરિસ: ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુએ બુધવારે સત્તા સંભાળતાની સાથે જ દેશવ્યાપી સરકાર વિરોધી ‘બ્લોક એવરીથિંગ’ પ્રદર્શનોનો સામનો કરવો પડ્યો છે. બે વર્ષના ટૂંકા ગાળામાં તેઓ પાંચમા વડાપ્રધાન બન્યા છે. પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના વિશ્વાસુ મનાતા લેકોર્નુ અગાઉ સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે.
લેકોર્નુએ વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચીને તેમના પુરોગામી ફ્રાંકોઈસ બેરો સાથે મુલાકાત કરી હતી, જેમને દેશની વધતી નાણાકીય ખાધને ઓછી કરવાની યોજનાને કારણે સંસદ દ્વારા સોમવારે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. નવા વડાપ્રધાન તેમના પ્રથમ સંબોધનમાં આ બજેટ પર સર્વસંમતિ સાધવાની યોજના રજૂ કરે તેવી શક્યતા છે, જેનો ડ્રાફ્ટ તેમને ૭ ઓક્ટોબર સુધીમાં સંસદમાં રજૂ કરવાનો છે.
જોકે, તેમની રાહ સરળ નથી. કટ્ટર ડાબેરી પક્ષોએ લેકોર્નુ સામે તાત્કાલિક અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે, જ્યારે કટ્ટર જમણેરી પક્ષ નેશનલ રેલી (RN) એ બજેટના મુદ્દે સહકાર આપવાની સંકેત આપ્યો છે, પરંતુ તેમની શરતો સ્વીકારવામાં આવે તો જ. નેશનલ રેલીના સાંસદ લોર લેવાલેટે એક્સ પર લખ્યું હતું કે, "તેમનું બજેટ કાં તો નેશનલ રેલીનું હશે, અથવા તેમની સરકાર નહીં હોય."
બીજી તરફ, સમગ્ર ફ્રાન્સમાં હજારો લોકો ‘બ્લોક એવરીથિંગ’ પ્રદર્શનોના ભાગરૂપે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઓનલાઇન શરૂ થયેલું આ આંદોલન હવે દેશભરમાં અશાંતિ ફેલાવી રહ્યું છે. આ પ્રદર્શનોમાં પ્રમુખ મેક્રોન અને પ્રસ્તાવિત બજેટ કાપ સામે લોકોનો અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે દેશભરમાં લગભગ ૮૦,૦૦૦ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ફ્રેન્ચ ગૃહમંત્રી બ્રુનો રીટેલેઉના જણાવ્યા અનુસાર, પ્રદર્શનોના પ્રથમ કલાકોમાં જ ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ રેનેસ શહેરમાં એક બસને આગ લગાવી હતી અને એક પાવર લાઇનને નુકસાન પહોંચાડતા ટ્રેન સેવાઓ પણ અવરોધાઈ હતી. રીટેલેઉએ પ્રદર્શનકારીઓ પર "બળવાની સ્થિતિ" ઊભી કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
