News of Wednesday, 10th September 2025
ચેક રિટર્ન કેસ : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : ફરિયાદ દાખલ કરવા માટે ૩૦ દિવસની સમય મર્યાદા ફરજિયાત
સુપ્રીમ કોર્ટે 35 દિવસ પછી દાખલ થયેલી ફરિયાદ રદ કરી : વિલંબ થયો હોય તો કારણ દર્શાવતી અરજી અને કોર્ટનો આદેશ અનિવાર્ય : આપોઆપ વિલંબ માફ ન થાય

નવી દિલ્હી: ચેક રિટર્ન (ચેક ડિસઓનર) કેસને લઈને સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટ અને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે 'નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧'ની કલમ ૧૪૨(b) હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે નિર્ધારિત ૩૦ દિવસની સમય મર્યાદા ફરજિયાત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આ સમયમર્યાદા વીતી જાય, તો વિલંબ માટેનું કારણ દર્શાવતી એક ઔપચારિક અરજી કરવી અને કોર્ટ દ્વારા તેને મંજૂરી આપતો ન્યાયીક આદેશ પસાર કરવો અનિવાર્ય છે.
જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે એક ચેક રિટર્ન કેસની ફરિયાદ રદ કરી દીધી છે, કારણ કે તે કાનૂની ૩૦-દિવસની સમયમર્યાદા બાદ એટલે કે ૩૫મા દિવસે દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ સાથે વિલંબ માફી માટે કોઈ અરજી દાખલ કરવામાં આવી ન હતી કે કોર્ટ દ્વારા પણ કોઈ વિલંબ માફ કરતો આદેશ નહોતો. આથી, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો, જેમાં હાઈકોર્ટે ફરિયાદને માન્ય ગણીને ટ્રાયલ કોર્ટના સમન્સ જારી કરવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે કોઈ ફરિયાદ નિર્ધારિત સમય પછી દાખલ કરવામાં આવે ત્યારે આપોઆપ અથવા કલ્પિત વિલંબ માફી માન્ય રાખી શકાય નહીં. કોર્ટે અવલોકન કર્યું કે, "એકવાર કાયદો ફરિયાદ દાખલ કરવા માટે ફરજિયાત સમયમર્યાદા નક્કી કરે, પછી તેમાં કોઈ વિચલન થઈ શકે નહીં, સિવાય કે ફરિયાદની સાથે જ વિલંબ માટેનું કારણ દર્શાવતી અરજી દાખલ કરવામાં આવે અને કોર્ટ તેને મંજૂરી આપે."
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે જો ફરિયાદ સમયમર્યાદા બહારની હોય, તો તેની પર ધ્યાન આપતા પહેલાં કોર્ટે વિલંબ માફીની અરજી અને તેના કારણોની કાયદેસર રીતે તપાસ કરવી જરૂરી છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, "જો કોર્ટ વિલંબને માફ કરવાની સત્તા ધરાવતી હોય તો પણ, પ્રથમ જરૂરિયાત એ છે કે કોર્ટે વિલંબ થયો છે તે બાબતની નોંધ લેવી જોઈએ અને પછી જ કારણો પર વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ કે શું વિલંબને માફ કરવો યોગ્ય છે કે કેમ."
આ ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચેક રિટર્ન કેસમાં કાયદાકીય પ્રક્રિયાનું કડક પાલન કરવું આવશ્યક છે, અને સમયમર્યાદાનું ઉલ્લંઘન બેદરકારીને કારણે થયું હોય તો તે કેસ રદ થવા પાત્ર છે. આ અપીલ H. S. OBEROI BUILDTECH PVT. LTD & ORS. vs. M/S MSN WOODTECH કેસમાં દાખલ કરવામાં આવી હતી.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
