તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Thursday, 11th September 2025
નેપાળની જુદી-જુદી જેલમાંથી ૧૩૦૦૦ કેદીઓ ફરાર
નાગરિકોમાં ભયનો માહોલ સ્થાનિક વહીવટીતંત્ર અને નેપાળી સેનાએ દેશભરમાં સુરક્ષા વધારી દીધી છે અને ભાગી ગયેલા કેદીઓની શોધખોળ શરુ કરી

કાઠમંડુ,તા.૧૧: નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ફાટી નીકળેલા Gen Z આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું. સ્થિતિ બેકાબુ થતાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. આ સાથે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો લાભ લઈને ૧૩ હજારથી વધુ કેદીઓ વિવિધ જેલોમાંથી ભાગી ગયા છે.
નેપાળના સ્થાનિક અખબાર અનુસાર, મંગળવારે રાત્રે નૌબસ્તા જેલમાં સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલી અથડામણ દરમિયાન, સગીર કેદીઓએ હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ૫ સગીર કેદીઓ માર્યા ગયા અને ૪ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેલ વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન કુલ ૧૪૯ કેદીઓ અને ૭૬ સગીર કેદીઓ ભાગી ગયા હતા.
ગૃહ મંત્રાલયના સૂત્રોને ટાંકીને અખબારે જણાવ્યું હતું કે, વિવિધ જેલોમાંથી ભાગી ગયેલા કેદીઓના સમાચાર આવ્યા છે, તે પ્રમાણે દિલ્હીબજાર જેલમાંથી ૧૧૦૦ કેદીઓ, ચિતવનમાંથી ૭૦૦, નક્કુમાંથી ૧૨૦૦, ઝુમ્પકામાંથી ૧૫૭૫, કંચનપુરમાંથી ૪૫૦, કૈલાલીમાંથી ૬૧૨, જલેશ્વરમાંથી ૫૭૬, કાસ્કીમાંથી ૭૭૩, ડાંગમાંથી ૧૨૪, જુમલામાંથી ૩૬, સોલુખુમ્બુમાંથી ૮૬, ગૌરમાંથી ૨૬૦ અને બજંગમાંથી ૬૫ કેદીઓ ભાગી ગયા હોવાના રિપોર્ટ આવ્યા છે. સિંધુલી જિલ્લાની સિંધુલીગઢી જેલમાંથી ૪૭૧ કેદીઓ ભાગી ગયા છે, જેમાં ૪૩ મહિલાઓનો સમાવેશ થાય છે.
એજ પ્રમાણે, નવલપરાસી પヘમિ જિલ્લા જેલમાંથી ૫૦૦ થી વધુ કેદીઓ ભાગી ગયા. કેટલાક કેદીઓએ જેલ પરિસરમાં આગ લગાવીને અને સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા.
કાઠમંડુની દિલ્હીબજાર જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા એક કેદીને સ્થાનિક યુવાનોએ પકડી લીધો અને નેપાળી સેનાને સોંપ્યો હતો. તો, સપ્તરી જિલ્લાની રાજબીરાજ જેલ અને પારસા જિલ્લાની બિરગંજ જેલમાંથી પણ કેદીઓ આગ લગાવીને ભાગી ગયા હતા. જુમ્લા જિલ્લાની ચંદનનાથ નગરપાલિકાની જેલમાંથી ૩૬ કેદીઓ ભાગી ગયા હતા, જેમાં કેદીઓએ જેલ વોર્ડનને લાકડીથી માર્યો હતો અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા.
આ ઉપરાંત, જ્યારે કેદીઓ જેલમાંથી ભાગી રહ્યા હતા ત્યારે સુરક્ષા કર્મચારીઓને ધમકી આપતા હતાં. ઉલ્લેખનીય છે કે, વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓ હવે ખુલ્લેઆમ ફરતાં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને નેપાળી સેનાએ દેશભરમાં સુરક્ષા વધારી દીધી છે અને ભાગી ગયેલા કેદીઓની શોધખોળ શરુ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ કેદીઓને પકડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકોમાં ભયની સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ગુનેગારો હવે ખુલ્લેઆમ ફરતાં હોવાથી સામાન્ય લોકોની સલામતી જોખમમાં મૂકાઈ છે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
