News of Friday, 12th September 2025
ટ્રમ્પના નજીકના સહયોગી ચાર્લી કર્કની હત્યા: US એ વિદેશીઓને 'ખુલ્લી ધમકી' આપી; સોશિયલ મીડિયા પર વખાણ કરનારાઓ પર વિઝા રદ કરવાની કાર્યવાહી થશે!
આ હત્યા બાદ એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે અને શકમંદની ધરપકડ માટે ૧,૦૦,૦૦૦ ડોલરનું ઇનામ જાહેર કર્યું: રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્કને 'સત્ય અને સ્વતંત્રતા માટે શહીદ' ગણાવ્યા

અમેરિકામાં એક મોટા રાજકીય ઘટનાક્રમમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને જમણેરી કાર્યકર્તા ચાર્લી કિર્કની ઉટા યુનિવર્સિટીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ અમેરિકન ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લૅન્ડૌએ વિદેશી નાગરિકો, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, માટે એક આકરી ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે કિર્કની હત્યાના વખાણ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
લૅન્ડૌએ X (પૂર્વ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "જે વિદેશીઓ હિંસા અને નફરતને બળ આપે છે, તેમનું અમારા દેશમાં સ્વાગત નથી." તેમણે ઉમેર્યું કે તેમણે દૂતાવાસના અધિકારીઓને આવી પોસ્ટ્સ કરનારા વિદેશી નાગરિકોને ઓળખવા માટે સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યો છે, અને આવા લોકોના વિઝા રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
આ ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ જોરદાર આવી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર કિર્કને 'સત્ય અને સ્વતંત્રતા માટે શહીદ' ગણાવ્યા છે.
નોંધનીય છે કે, ચાર્લી કિર્કે આ મહિનાની શરૂઆતમાં જ ભારતીય ઇમિગ્રન્ટ્સ પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, "અમેરિકાને ભારતમાંથી આવતા લોકો માટે વધુ વિઝાની જરૂર નથી. કદાચ કાયદેસર ઇમિગ્રેશનનું કોઈ સ્વરૂપ ભારતના લોકો જેટલું અમેરિકન કામદારોને વિસ્થાપિત કરતું નથી. હવે બસ, આપણે ભરાઈ ગયા છીએ. ચાલો આપણા લોકોને પહેલા પ્રાથમિકતા આપીએ."
આ હત્યા બાદ એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે અને શકમંદની ધરપકડ માટે ૧,૦૦,૦૦૦ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
