News of Saturday, 13th September 2025
સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતાને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત: એઆઈ નો ઉપયોગ કરી રહેલા પ્રતિવાદીઓ સામે વચગાળાનો મનાઈહુકમ: વધુ સુનાવણી ૧૫ જાન્યુઆરીએ
ટેકનોલોજીનો ઉપયોગ કરીને અભિનેતાને ગેરમાર્ગે દોરતી, અપમાનજનક અથવા અયોગ્ય પરિસ્થિતિઓમાં દર્શાવવું એ તેમના ગોપનીયતાના અધિકાર પર અતિક્રમણ છે: જો આ પ્રતિબંધ તાત્કાલિક લાદવામાં નહીં આવે, તો અભિષેક બચ્ચનને નાણાકીય નુકસાન ઉપરાંત તેમના ગૌરવપૂર્ણ જીવનના અધિકારને પણ ગંભીર નુકસાન થશે: જસ્ટિસ તેજસ કારિયા

નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચનને દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કેસમાં મોટી રાહત મળી છે. કોર્ટે તેમના નામ, અવાજ, તસવીર અને અન્ય વ્યક્તિગત ગુણધર્મોનો દુરુપયોગ કરી વ્યાપારી લાભ માટે બનાવવામાં આવતી એઆઈ-જનરેટેડ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સામગ્રી અને ઉત્પાદનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.
અભિષેક બચ્ચન દ્વારા યુએસ(સીઓએમએમ) ૯૬૦/૨૦૨૫' કેસ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં, બોલિવૂડ ટી શૉપ અને અન્ય સહિત કુલ ૧૮ પ્રતિવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અજાણ્યા 'જૉન ડો' અને 'અશોક કુમાર' પણ સામેલ છે. અભિનેતાના વકીલ પ્રવીણ આનંદ, અમીત નાઈક અને તેમની કાનૂની ટીમ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી.
મુખ્ય આરોપો અને કેસની વિગતો: વકીલ પ્રવીણ આનંદે કોર્ટને જણાવ્યું કે આ પ્રતિવાદીઓ અભિષેક બચ્ચનના 'પર્સનાલિટી રાઇટ્સ' (વ્યક્તિત્વના અધિકારો)નું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યા છે. તેઓ તેમના નામ અને તસવીરનો ઉપયોગ કરીને વિવિધ ઉત્પાદનો, જેમ કે ટી-શર્ટ, કોફી મગ, પોસ્ટર, સ્ટિકર્સ અને વૉલપેપરનું વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત, કેટલીક યુટ્યુબ ચેનલો (પ્રતિવાદી નં. ૧૦ થી ૧૪) તેમના નામ, તસવીર અને અવાજનો ઉપયોગ કરીને એઆઈ-જનરેટેડ, અયોગ્ય અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રી બનાવી રહી છે.
કોર્ટે નોંધ્યું કે અભિષેક બચ્ચન એક પ્રખ્યાત અભિનેતા અને ઉદ્યોગસાહસિક છે, જેમણે વર્ષોથી પોતાની મહેનતથી નામના અને સદ્ભાવના કમાવી છે. તેઓ કઈ બ્રાન્ડ્સનું સમર્થન કરે છે તે અંગે ખૂબ કાળજી રાખે છે. તેમના વ્યક્તિત્વના અધિકારો, જેમાં તેમનું નામ, અવાજ, તસવીર અને હસ્તાક્ષરનો સમાવેશ થાય છે, તે વ્યાપારી મૂલ્ય ધરાવે છે. આ તત્વોનો અનધિકૃત ઉપયોગ ગેરસમજણ ઊભી કરી શકે છે, જાણે કે આ ઉત્પાદનો અભિનેતા દ્વારા સમર્થિત હોય.
કોર્ટનો વચગાળાનો આદેશ અને પ્રતિબંધ: જસ્ટિસ શ્રી તેજસ કારિયાએ વચગાળાનો મનાઈહુકમ ( એક્સ–પાર્ટી એડ–ઇન્ટિરિયર ઇન્જેક્શન) આપતા જણાવ્યું કે અનધિકૃત વ્યાવસાયિક શોષણ વ્યક્તિના આર્થિક હિતો અને ગૌરવને સીધી અસર કરે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને અભિનેતાને ગેરમાર્ગે દોરતી, અપમાનજનક અથવા અયોગ્ય પરિસ્થિતિઓમાં દર્શાવવું એ તેમના ગોપનીયતાના અધિકાર પર અતિક્રમણ છે. જો આ પ્રતિબંધ તાત્કાલિક લાદવામાં નહીં આવે, તો અભિષેક બચ્ચનને નાણાકીય નુકસાન ઉપરાંત તેમના ગૌરવપૂર્ણ જીવનના અધિકારને પણ ગંભીર નુકસાન થશે.
આદેશમાં સમાવિષ્ટ મુખ્ય નિર્દેશો: * પ્રતિવાદીઓ પર પ્રતિબંધ: પ્રતિવાદી નં. ૧ થી ૧૪ અને ૧૮ ને અભિષેક બચ્ચનના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન કરતા કોઈપણ ઉત્પાદન કે સામગ્રી, જેમાં એઆઈ, ડીપફેક્સ, અને ફેસ મોર્ફિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય, તે બનાવવા, શેર કરવા અથવા વેપારી રીતે ઉપયોગ કરવાથી તાત્કાલિક રોકવામાં આવે છે.
* વેબસાઇટ્સને યુઆરએલ હટાવવાનો આદેશ: ધ બૉલીવુડ ટી શોપ, ટી–પબ્લિક આઈસ પોસ્ટર, ટોપીક્સ ઓટોગ્રાફસ વોલપેપર કેવ, વોલપેપર ડોટ કોમ અને એમેઝોન જેવી વેબસાઇટ્સને ૭૨ કલાકની અંદર વાંધાજનક યુ આર એલ (લિંક્સ) હટાવી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
* ગૂગલ (યુટ્યુબ)ને નિર્દેશ: પ્રતિવાદી નં. ૧૫, એટલે કે ગૂગલ એલએલસીને, પ્રતિવાદી નં. ૧૦ થી ૧૪ની યુ ટ્યુબ ચેનલો પરની વાંધાજનક સામગ્રીના યુઆરએલ ને ૭૨ કલાકમાં હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૂગલને આ ચેનલ માલિકોની મૂળભૂત સબ્સ્ક્રાઇબર માહિતી (જેમ કે નામ, ઈમેલ, કોન્ટેક્ટ નંબર, આઇપી લોગ્સ) સીલબંધ કવરમાં ૭ દિવસની અંદર રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.
* સરકારી પ્રતિવાદીઓની ભૂમિકા: પ્રતિવાદી નં. ૧૬ અને ૧૭ (ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ)ને ૭ દિવસમાં વાંધાજનક યુઆરએલ બ્લોક કરવા માટે જરૂરી નિર્દેશો જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે અન્ય સંબંધિત પક્ષકારોને પણ નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ નિર્ધારિત કરી છે, જ્યાં આ કેસમાં વધુ સુનાવણી થશે. આ નિર્ણય એ દર્શાવે છે કે, ડિજિટલ યુગમાં સેલિબ્રિટીના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કેટલું મહત્વપૂર્ણ છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
