News of Saturday, 13th September 2025
કાલે મહાજંગઃ સૂર્યા એન્ડ કંપનીનો જોશ આસમાને
ટીમ ઇન્ડિયામાં ફેરફાર થશે કે યુએઇ સામે મેચ રમેલી ટીમ જ મેદાનમાં ઉતારશે? : પાક.ના કેપ્ટન રાશીદ લતીફે મેચ પહેલા જ હાર માની લીધી, કહ્યું ભારત વર્લ્ડ નં.૧ ટીમ છે, કોઇ પણ પરીસ્થિતિનો સામનો કરી શકે છે, જયારે પાક. પ્રેશરમાં રમી શકતું નથી, હાર્દિક પંડયા ટીમનો એકસ-ક્રિકેટર ગમે તયારે મેચનું પાસુ પલટવાની તેનામાં તાકાત છે

નવી દિલ્હીઃ એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતી કાલે ૧૪ સપ્ટેમ્બર, રવિવારના રોજ રમાશે. આ મેચ રાત્રે ૮ વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે ૭:૩૦ વાગ્યે થશે.
મેચ પહેલા, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશિદ લતીફે એક નિવેદન આપ્યું છે. પીટીઆઇ સાથે વાત કરતા કહ્યું આપણે ભારત સામેની મેચ વિશે વધુ ભાવુક થઈ જઈએ છીએ અને તેના કારણે આપણે આપણી રમત ભૂલી જઈએ છીએ. ભારતીય ટીમ પરિસ્થિતિ અને પિચ જોઈને રમે છે, જ્યારે પાકિસ્તાન દબાણ સહન કરી શકતું નથી.
પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી સમાન દબાણ હેઠળ રમી રહ્યું છે અને ભારત આ વખતે પણ તેનો ફાયદો ઉઠાવી શકે છે. રાશિદ લતીફે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પ્રશંસા કરતા કહ્યું, પંડ્યા મિડલ ઓર્ડરમાં આવે છે અને મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખે છે. તેણે ઘણી વખત સાબિત કર્યું છે કે તે ટીમ ઈન્ડિયા માટે એક્સ-ફેક્ટર છે.
હાલના સમયની વાત કરીએ તો, ભારતીય ટીમ પાકિસ્તાન કરતા ઘણી મજબૂત છે. ભારત વિશ્વની નંબર ૧ ટી ૨૦ ટીમ છે. વિશ્વના ટોચના ૨ બેટ્સમેન અભિષેક શર્મા અને તિલક વર્મા એશિયા કપમાં રમી રહ્યા છે.
આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમમાં છે. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ પણ ટીમમાં છે.
ભારતના તમામ ખેલાડીઓએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું, જેના કારણે હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે પાકિસ્તાન સામે કયા ખેલાડીને ડ્રોપ કરવામાં આવશે.
યુએઇ સામે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું, જેણે ચાર વિકેટ લીધી. શિવમ દુબે રમ્યો અને તેણે ત્રણ વિકેટ લીધી. યુએઇ સામે ભારત માટે સૌથી વધુ ટી૨૦ વિકેટ લેનાર બોલર અર્શદીપ સિંહ બહાર હતો.
આગામી મેચમાં પણ અર્શદીપ સિંહ બેન્ચ પર બેસે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. આ મેચ પાકિસ્તાન સામે છે અને ત્યાં અર્શદીપ સિંહની ફાસ્ટ બોલિંગની જરૂર પડી શકે છે. અર્શદીપ સિંહે પાકિસ્તાન સામે ટી૨૦ વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. જો અર્શદીપ સિંહ નહીં રમે તો ટીમ ઈન્ડિયામાં ફક્ત બુમરાહ અને હાર્દિક પંડ્યા જ ફાસ્ટ બોલર હશે. પ્રશ્ન એ છે કે શું હાર્દિક પંડ્યા મેઈન ફાસ્ટ બોલરની જવાબદારી નિભાવી શકશે.
ઈરફાન પઠાણે કહ્યું કે પાકિસ્તાન સામે અર્શદીપ સિંહને બહાર રાખવો ખૂબ મુશ્કેલ હશે, કારણ કે જો તમારો બીજો ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યા છે તો પ્રશ્ન એ છે કે શું તે એક ઓવરમાં સતત ૬ યોર્કર ફેંકી શકે છે? ઈરફાન પઠાણના મતે, પાકિસ્તાન સામેની મેચમાં અર્શદીપ સિંહના યોર્કર બોલની જરૂર પડી શકે છે. ઈરફાન પઠાણનો મુદ્દો અમુક હદ સુધી સાચો છે.(૩૮.૨૬)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
