<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ભારતીય રિઝર્વ બેંકે PhonePe પર ₹૨૧ લાખનો દંડ ફટકાર્યો : નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી

પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) નિયમોના ઉલ્લંઘન બદલ કેન્દ્રીય બેંકે પગલાં લીધા : એસ્ક્રો એકાઉન્ટમાં બેલેન્સ ઓછું મળ્યું અને તેની જાણ RBIને ન કરાઈ

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિજિટલ પેમેન્ટ કંપની PhonePe લિમિટેડ પર ₹૨૧ લાખનો મોટો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) સંબંધિત નિયમોના ઉલ્લંઘનને કારણે કરવામાં આવી છે. RBI દ્વારા ઓક્ટોબર ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન PhonePeની કામગીરીની કાયદાકીય તપાસ કરવામાં આવી હતી, જેમાં જણાયું કે કંપનીએ RBIના કેટલાક નિર્દેશોનું સંપૂર્ણ પાલન કર્યું નથી.
RBIએ PhonePeને નોટિસ પાઠવીને આ નિયમોના ઉલ્લંઘન અંગે ખુલાસો માંગ્યો હતો. કંપનીએ લેખિત જવાબ અને વ્યક્તિગત સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કર્યો, પરંતુ તમામ તથ્યોને ધ્યાનમાં લીધા બાદ RBIને લાગ્યું કે કંપની સામેના આરોપો સાચા છે અને દંડ લગાવવો જરૂરી છે.
RBIની મુખ્ય વાંધાઓમાં એક એ હતી કે કેટલાક દિવસોમાં PhonePeના એસ્ક્રો એકાઉન્ટમાં દિવસના અંતે રહેલું બેલેન્સ ગ્રાહકોના બાકી PPI અને વેપારીઓને ચૂકવવાપાત્ર રકમ કરતાં ઓછું હતું. વધુમાં, કંપનીએ આ ઉણપની જાણ તરત જ RBIને કરી ન હતી. જોકે, RBIએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર નિયમનકારી ખામીઓ પર આધારિત છે અને તેનો અર્થ એ નથી કે તે ગ્રાહકોના વ્યવહારો કે PhonePe અને ગ્રાહકો વચ્ચેના કરારોની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવે છે.
આ ઉપરાંત, રિઝર્વ બેંકે શુક્રવારે ફોનપે ટેકનોલોજી સર્વિસિસ અને આદિત્ય બિરલા ફાઇનાન્સ સહિત નવ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC)ના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કર્યા છે. બીજા એક નિવેદનમાં, કેન્દ્રીય બેંકે જણાવ્યું કે અન્ય ૩૧ NBFC ના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (CoR) પણ રદ કરવામાં આવ્યા છે.

 

(1:00 PM IST)