<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

જાણો કોણ છે નેપાળના અંતરિમ વડાપ્રધાન સુશીલા કાર્કી : ભારત સાથે ગાઢ સંબંધ ધરાવતા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બન્યા રાજકીય ઉથલપાથલ વચ્ચે સર્વસંમતિના ચહેરા

૭૩ વર્ષીય સુશીલા કાર્કીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું : ભ્રષ્ટાચાર વિરોધી વલણ અને કડક નિર્ણયોને કારણે યુવાનોમાં લોકપ્રિય : તેમના પતિએ પ્લેન હાઈજેક કરી સશસ્ત્ર ક્રાંતિ માટે નાણાં એકઠા કર્યા હતા

નવી દિલ્હી: નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને હિંસક ઘટનાઓ બાદ, પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામાથી તેમની સરકારનું પતન થયું છે. આ પરિસ્થિતિમાં નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને દેશના અંતરિમ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદ સામેના તેમના કડક વલણને કારણે તેઓ યુવા પેઢી (Gen-Z) માં ખૂબ જ લોકપ્રિય છે. ૫૦૦૦થી વધુ લોકોની બેઠકમાં મોટાભાગના સભ્યોએ તેમના નામ પર સહમતિ દર્શાવી હતી.
ભારત સાથે ગાઢ સંબંધ ધરાવતા ૭૩ વર્ષીય સુશીલા કાર્કીએ બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) માંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમનો જન્મ ૧૯૫૨માં વિરાટનગરના શંકરપુરમાં થયો હતો. ૧૯૭૮માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વિરાટનગરથી જ વકીલાત શરૂ કરી હતી.
સુશીલા કાર્કીએ નેપાળી કોંગ્રેસના જાણીતા નેતા દુર્ગા પ્રસાદ સુબેદી સાથે લગ્ન કર્યા હતા, જેમની સાથે તેમની મુલાકાત બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જ થઈ હતી. સુબેદીએ ૧૯૭૦ના દાયકામાં યુવા ક્રાંતિકારી તરીકે સશસ્ત્ર વિદ્રોહ માટે નાણાં એકઠા કરવા માટે રોયલ નેપાળ એરલાઈન્સના વિમાનને હાઈજેક કર્યું હતું, જેના પર તેમણે ૨૦૧૮માં 'વિમાન વિદ્રોહ' નામનું પુસ્તક પણ લખ્યું હતું.
વકીલાત ક્ષેત્રમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ સુશીલા કાર્કીને ૨૦૦૭માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરાયા અને ૨૦૦૯માં તેઓ નેપાળના સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા. ૨૦૧૬માં તેઓ ફરીથી સુપ્રીમ કોર્ટના ૨૪મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, જોકે તેમના વિરુદ્ધ શેર બહાદુર દેઉબા સરકાર દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જે પાછળથી પરત ખેંચી લેવામાં આવ્યો હતો.

 

(2:13 PM IST)