News of Sunday, 14th September 2025
અફઘાનિસ્તાનના ખોસ્ત, નંગરહાર અને પક્તિકા પ્રાંતો પર પાકિસ્તાન વાયુસેનાના વિમાનો તૂટી પડવા સજ્જ: નવા યુદ્ધના એંધાણ
પાકિસ્તાન સેનાએ ક્વેટા અને પેશાવર એરબેઝ પર વધારાના જેજેફ–૧૭ ફાઇટર જેટ્સ અને ડબલ્યુએલ–૨ ડ્રોન તૈનાત કર્યા છે.

પાકિસ્તાન વાયુસેના અફઘાનિસ્તાનના ખોસ્ત, નંગરહાર અને પક્તિકા પ્રાંતોમાં મોટા પાયે હવાઈ હુમલા કરવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ માટે પાકિસ્તાન સેનાએ ક્વેટા અને પેશાવર એરબેઝ પર વધારાના જેજેફ–૧૭ ફાઇટર જેટ્સ અને ડબલ્યુએલ–૨ ડ્રોન તૈનાત કર્યા છે.
ઇસ્લામાબાદથી મળતા અહેવાલો મુજબ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાયુસેના અફઘાનિસ્તાનના સરહદી પ્રાંતો ખોસ્ત, નંગરહાર અને પક્તિકામાં મોટા પાયે હવાઈ હુમલા કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રાંતોમાં આતંકવાદી ગતિવિધિઓ વધી રહી હોવાના આરોપો બાદ પાકિસ્તાને આ કડક પગલું ભરવાનું વિચાર્યું હોવાનું મનાય છે.
સૈનિકોની તૈનાતી અને શસ્ત્રોની હેરફેર: પાકિસ્તાનના આ પગલાની પુષ્ટિ કરતા અહેવાલો મુજબ, પાકિસ્તાન સેનાએ તેના ક્વેટા અને પેશાવર એરબેઝ પર વધારાના સૈન્ય સાધનો અને હવાઈ શસ્ત્રોની હેરફેર કરી છે. જેમાં મુખ્યત્વે ફાઇટર જેટ્સ અને અત્યાધુનિક ડ્રોનનો સમાવેશ થાય છે. આ ફાઇટર જેટ્સ અને ડ્રોનનો ઉપયોગ મોટા પાયે હવાઈ હુમલા માટે થઈ શકે છે, જે અફઘાન ગામોને નિશાન બનાવી શકે છે.
બંને દેશો વચ્ચેનો તણાવ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ તાજેતરના સમયમાં તે વધ્યો છે. પાકિસ્તાન સરકારનો આરોપ છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જેવા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન પર હુમલા કરવા માટે કરી રહ્યા છે. બીજી તરફ, અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો આ આરોપોને નકારી રહ્યા છે.
માનવાધિકાર સંગઠનોની ચિંતા: જો આ હવાઈ હુમલા થાય છે, તો તેનાથી આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને મોટી હાડમારી ભોગવવી પડી શકે છે. માનવાધિકાર સંગઠનોએ આ અહેવાલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સંયમ જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પણ ચિંતાનો વિષય બની છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
