News of Sunday, 14th September 2025
5, 10 અને 20 રૂપિયાના બિસ્કિટ ચિપ્સના ભાવ ઘટશે કે વજન વધશે? જાણો GST ઘટાડા પર કંપનીઓએ શું કહ્યું
નાના પેકમાં ભાવમાં ઘટાડો નહી થાય, તેના બદલે એ જ કિંમતે પેકેની અંદર ઉત્પાદનનું વજન વધારીને ગ્રાહોકને ફાયદો આપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતમાં ગ્રાહકોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળવાનો છે. આ દરમિયાન, FMCG કંપનીઓએ કર અધિકારીઓને જણાવ્યું છે કે, તેઓ રૂ.5, રૂ.10, અને રૂ.20 ના લોકપ્રિય બિસ્કિટ, ચિપ્સ, કુરકુરે અને સાબુ જેવા પેકના ભાવમાં ઘટાડો નહીં કરે. તેના બદલે, તેઓ તે જ કિંમતે પેકની અંદર ઉત્પાદનનું વજન વધારીને ગ્રાહકોને ફાયદો પહોંચાડશે.
મનીકંટ્રોલના રિપોર્ટ પ્રમાણે, કંપનીઓએ આ નિર્ણય પાછળનું કારણ સમજાવતા કહ્યું છે કે ભારતીય ગ્રાહકો આ નિશ્ચિત કિંમતોથી ટેવાયેલા છે. જો ભાવમાં રૂ.18 કે રૂ.9 જેવો ઘટાડો કરવામાં આવે તો ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે અને નાણાકીય વ્યવહારોમાં પણ અસુવિધા થઈ શકે છે.
આવી સ્થિતિમાં, કંપનીઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ને ખાતરી આપી છે કે તેઓ GSTના લાભો ગ્રાહકોને આપશે, પરંતુ કિંમતો સમાન રાખીને પેકમાં વધુ જથ્થો ઉમેરીને. ઉદાહરણ તરીકે, રૂ.20 ના બિસ્કિટ પેકમાં હવે સમાન ભાવે વધુ ગ્રામ બિસ્કિટ મળશે.
બીકાજી ફૂડ્સના સીએફઓ ઋષભ જૈને આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, કંપની તેના નાના 'ઇમ્પલ્સ પેક'નું વજન વધારશે. તેવી જ રીતે, ડાબરના સીઈઓ મોહિત મલ્હોત્રાએ પણ કહ્યું છે કે, કંપનીઓ ચોક્કસપણે કર ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડશે અને આનાથી દૈનિક ઉપયોગની વસ્તુઓની માંગમાં વધારો થશે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
