<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

૮૧ લીટર દેશી દારૂ સાથે ઝડપાયોઃ કોર્ટે આપી અનોખી સજા, ૩૦ દિવસ માટે ટ્રાફિક પોલીસ બનાવ્‍યો

ન્‍યાય અધિનિયમનો ઉદ્દેશ્‍ય ખાલી સજા આપવાનો નથી, પણ સગીરોને ક્રાઇમની દુનિયામાંથી બહાર કાઢી તેમને સમાજની મુખ્‍યધારામાં જોડવાનો છે

 

ગોપાલગંજ,તા.૧૫: બિહારના ગોપાલગંજ જિલ્‍લામાંથી એક અનોખો અને રસપ્રદ કિસ્‍સો સામે આવ્‍યો છે, જેને સૌનું ધ્‍યાન ખેંચ્‍યું છે. અહીં દારૂની હેરાફેરીમાં પકડાયેલા એક કિશોરને કોર્ટે જેલની જગ્‍યાએ સમાજ સુધાર સાથે જોડાયેલી એક સજા સંભળાવી છે. કિશોર ન્‍યાય પરિષદ, ગોપાલગંજના મુખ્‍ય દંડાધિકારી નિલેશ ભારદ્વાજે આ મામલામાં ઐતિહાસિક નિર્ણય આપતા બાળકને ૩૦ દિવસ સુધી ટ્રાફિક પોલીસની દેખરેખમાં સામુદાયિક સેવા કરવાનો આદેશ આપ્‍યો છે.

જાન્‍યુઆરી ૨૦૨૫માં જાદોપુર પોલીસે એક સગીર બાળકને ૮૧ લિટર દેશી દારૂ સાથે પકડી પાડ્‍યો હતો. આ મામલો જ્‍યારે કિશોર ન્‍યાય પરિષદની કોર્ટમાં પહોંચ્‍યો તો સુનાવણી દરમિયાન સગીરે પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે કોર્ટ સમક્ષ એવું પણ કહ્યું કે તે સમાજની મુખ્‍યધારામાં પરત ફરવા માગે છે અને આગળથી આવી ભૂલ નહીં કરે. આ વાત કોર્ટને સ્‍પર્શી ગઈ અને આકરા દંડની જગ્‍યાએ સુધારાત્‍મક દંડનો રસ્‍તો અપનાવતા એક અનોખો આદેશ જાહેર કર્યો.

મુખ્‍ય દંડાધિકારી નિલેશ ભારદ્વાજે કહ્યું કે કિશોર ન્‍યાય અધિનિયમનો ઉદ્દેશ્‍ય ખાલી સજા આપવાનો નથી, પણ સગીરોને ક્રાઇમની દુનિયામાંથી બહાર કાઢી તેમને સમાજની મુખ્‍યધારામાં જોડવાનો છે. આ વિચાર અંતર્ગત બાળકને જેલમાં મોકલવાની જગ્‍યાએ સામુદાયિક સેવા તરફ પ્રેરિત કર્યો. તેમણે જિલ્‍લા પોલીસ અધિક્ષકને આદેશ આપ્‍યો કે બાળકને દરરોજ ટ્રાફિક પોલીસ સાથે દેખરેખમાં રાખવામાં આવે, જેથી તે સમાજ માટે કામ કરવાનું શીખે અને અનુશાસનનું મહત્ત્વ સમજે.(૪૦.૯)

(10:35 AM IST)