<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

મારું મગજ રૂ.૨૦૦ કરોડનું છે, નાણાંની તંગી નથીઃ ગડકરી

ઈથેનોલ મિશ્રિત ઈંધણમાં હિતોના ટકરાવના આક્ષેપ પર કેન્‍દ્રીય મંત્રીનો પલટવાર

 

નાગપુર,તા.૧૫: ઈથેનોલના મિશ્રિત ઇંધણ અંગેના વિવાદ વચ્‍ચે કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટીકાકારોને જવાબ આપતા જણાવ્‍યું કે, મારા મગજની કિંમત રૂ.૨૦૦ કરોડ છે અને હું પ્રામાણિકતાથી કમાણી કરવાનું જાણું છું. નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, મારી પાસે પૈસાની કોઈ જ તંગી નથી અને હું નીચલી કક્ષાએ ઉતરી શકું નહીં. ઈથેનોલ મિશ્રણ કરેલા પેટ્રોલના વેચાણમાં વ્‍યક્‍તિગત લાભના આક્ષેપોને ગડકરીએ ફગાવ્‍યા હતા. 

નાગપુરમાં એગ્રિકોઝ વેલફેર સોસાયટીના એક કાર્યક્રમમાં બોલતા કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રીએ પલટવાર કરતા કહ્યુ કે, હું મારા ખીસ્‍સા ભરવા આ નથી કરી રહ્યો પરંતુ આ ખેડૂતોના હિત માટે કરી રહ્યો છું. મારી પાસે મગજ છે જેની કિંમત પ્રતિ માસ રૂ. ૨૦૦ કરોડની છે. હું પ્રામાણિકતા સાથે કમાણી કરી શકું છું. કેન્‍દ્ર સરકારના ઈથેનોલ મિશ્રણ સાથેના પેટ્રોલના વેચાણને પ્રોત્‍સાહનમાં ગડકરીના હિતોના ટકરાવનો આક્ષેપ ચાલુ મહિને કોંગ્રેસ દ્વારા કરાયો હતો.

ભાજપે આ આક્ષેપોને ફગાવ્‍યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ પણ હવે આમ આદમી પાર્ટી બની ગઈ છે જે ખોટું થઈ રહ્યુ હોવાના તેમની પાસે પુરાવાનો દાવો કરે છે પરંતુ વાસ્‍તવમાં તેની પાસે કંઈ જ નથી. રવિવારે ગડકરીએ પૂણેમાં નામ ફાઉન્‍ડેશનના કાર્યક્રમમાં વધુ એક વખત આ મુદ્દે સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું કે, ઈથેનોલના વપરાશને પગલે જ સુગર ઉદ્યોગ ટકી શક્‍યો છે. દેશમાં રૂ.૨૨ લાખ કરોડના ફોસિલ ફયુલની આયાત થઈ રહી છે. ઈથેનોલની મદદથી દેશના અર્થતંત્રને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. દેશની સુગર મિલો પાસે ખાંડનો પુરવઠો સરપ્‍લસમાં હોવાનું કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું હતું.(૪૦.૮)

(10:36 AM IST)