News of Monday, 15th September 2025
ટેરિફથી ભારતની સી ફૂડ્સ એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો:ગુજરાતથી 300 કરોડની નિકાસ ઠપ્પ
ગુજરાતના 18 લાખ સહિત દેશભરના 3 કરોડ માછીમારો પર સંકટ:ભારતના કુલ કે 65 હજાર કરોડના એક્સપોર્ટમાં ઝીંગાનું 70 ટકાનું કોન્ટ્રિબ્યુશન: જેમાંથી 40 ટકા એક્સપોર્ટ અમેરિકા મોકલાય છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતથી આવનારા માલ પર 50 ટકાનો તોતિંગ ટેરિફ ઝીંકી દીધો છે. જેના કારણે ગુજરાતની સી ફૂડ્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ફટકો પડ્યો છે. આ ઉદ્યોગ હવે સરકાર સમક્ષ તાત્કાલિક કોઈ પગલા લેવાની માંગ કરી રહ્યો છે.
આ અંગે સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફૉફંડીના જણાવ્યા મુજબ, ભારતના કુલ 7.4 બિલિયન ડોલર એટલે કે 65 હજાર કરોડના એક્સપોર્ટમાં ઝીંગાનું 70 ટકાનું કોન્ટ્રિબ્યુશન છે. જેમાંથી 40 ટકા એક્સપોર્ટ અમેરિકા મોકલાય છે.
હાલ અમેરિકા દ્વારા 50 ટકા ટેરીફ લાગુ કરાતા એન્ટી ડમ્પિંગ અને કાઉન્ટર વેલિંગ ડ્યૂટી સાથે મળીને 57 થી 58 ટકા સુધીનો ભાર આવ્યો છે. શરૂઆતમાં 25 ટકાનો વધારો ખરીદદારો સ્વીકારતા હતા, પરંતુ વધારાના ટેક્સને કારણે લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે. વાર્ષિક સો કન્ટેનર જેવા કરાર પણ અટકી ગયા છે.
ગુજરાત રીજીયનના પ્રમુખ કેતન સૂયાનીએ જણાવ્યું કે, ગુજરાતનો 300 કરોડનો એક્સપોર્ટ હાલ ઠપ્પ થઈ ગયો છે. જેની સીધી અસર માછીમારો પર આવશે.
ગુજરાતમાં અંદાજે 15 થી 17 લાખ લોકો સીધા માછીમારી સાથે જોડાયેલા છે, જ્યારે 6 થી 7 લાખ લોકો પરોક્ષ રીતે સંકળાયેલા છે. દરિયાકાંઠે 20 હજાર મોટી ટ્રોલર બોટો અને 50 હજાર જેટલી નાની-મોટી હોડીઓ કાર્યરત છે. 3 થી 3.5 હજાર માછલી ફાર્મ્સમાં હજારો લોકો રોજગાર મેળવે છે. આમ કુલ મળી 17 થી 18 લાખ લોકોના જીવન પર આ સંકટનો સીધો પ્રહાર થયો છે.
સીફૂડ્સ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફૉફંડીના જણાવ્યા મુજબ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સ્ટેટ ગવર્મેન્ટ પહેલેથી જ માછીમારો અને એક્વા ફાર્મર્સ માટે રાહત યોજનાઓ લાવી ચૂકી છે. ગુજરાતના ઉદ્યોગ આગેવાનો પણ સરકારને વીજળી ડ્યુટીમાં રાહત, ટેક્સ ઘટાડો અને પૂરતું ફાઇનાન્સ આપવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર કોસ્ટ ઓફ ફાયનાન્સમાં ઈન્ટ્રેસ્ટ સબમેશન જે અત્યાર સુધી આપતી હતી તે ફરી શરૂ કરે.
ટ્રમ્પ સરકારના ટેરીફથી ભારતીય સી ફૂડસ એક્સપોર્ટને મોટો ફટકો પડયો છે. જો રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે, તો આ સંકટમાં ગુજરાત સહિત દેશના લાખો માછીમારો અને તેમના પરિવારોને જીવન-જરૂરિયાતો પુરા કરવા ભારે સંઘર્ષ કરવો પડી શકે છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
