<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રશિયન તેલ કામ ન કરાતાં અમેરિકાએ બદલી રમત, ભારત પાસે કરી નવી માંગ!

ચીને અમેરિકા પાસેથી મકાઈની આયાત ઓછી કરી દીધી છે: અમેરિકા ભારતને એક મોટા બજાર તરીકે જોઈ રહ્યું છે, જેથી પોતાના ખેડૂતોને થયેલા નુકસાનને ભરપાઈ કરી શકાય.

વોશિંગ્ટન : અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં નવો વળાંક આવ્યો છે. એક તરફ, એવું લાગી રહ્યું હતું કે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો ફરીથી પાટા પર ચડી જશે અને વાટાઘાટો પણ શરૂ થવાની હતી, પરંતુ અમેરિકાએ ફરી એકવાર નવો અવરોધ ઊભો કર્યો છે. હવે રશિયન તેલ પછી, અમેરિકાએ ભારતને મકાઈ વેચવાની માંગ કરી છે.

અમેરિકાના નાણા સચિવ હોવર્ડ લુટનિકે ભારતને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભારત અમેરિકાની મકાઈ નહીં ખરીદે, તો તેને યુએસ બજાર ગુમાવવું પડશે. એક્સિઓસ સાથેની મુલાકાતમાં, લુટનિકે ધમકીભર્યા સ્વરમાં જણાવ્યું કે જો ભારત તેના ટેરિફ દરો ઘટાડશે નહીં, તો તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ભારત પ્રત્યે કડક વલણ ધરાવે છે.

સંબંધો પર અમેરિકાનો આક્ષેપ
લુટનિકે દાવો કર્યો છે કે ભારત-અમેરિકાના સંબંધો એકતરફી છે. "તેઓ અમને વેચે છે અને અમારો ફાયદો ઉઠાવે છે, પરંતુ તેઓ અમારા માટે તેમનું બજાર ખોલતા નથી," તેમણે કહ્યું. તેમણે સવાલ ઉઠાવ્યો કે 1.25 અબજની વસ્તી હોવા છતાં ભારત અમેરિકા પાસેથી મકાઈ કેમ નથી ખરીદતું? લુટનિકે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે ભારત બધું વેચે છે, પણ કંઈ ખરીદતું નથી, અને ઉપરથી બધી ચીજો પર ભારે ટેરિફ પણ લાદે છે.

મકાઈ પર કેમ ભાર?
અહેવાલો અનુસાર, આ વર્ષે અમેરિકન ખેડૂતોને મકાઈના પાકમાં ભારે મુશ્કેલી પડી છે, જેનું મુખ્ય કારણ ચીન સાથેનો વેપાર તણાવ છે. ચીને અમેરિકા પાસેથી મકાઈની આયાત ઓછી કરી દીધી છે. આવી પરિસ્થિતિમાં, અમેરિકા ભારતને એક મોટા બજાર તરીકે જોઈ રહ્યું છે, જેથી પોતાના ખેડૂતોને થયેલા નુકસાનને ભરપાઈ કરી શકાય.

ટ્રમ્પનું વલણ અને ભારત પર દબાણ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફ ઘટાડવા કહ્યું છે અને દાવો કર્યો છે કે તેમનું વહીવટ જૂની ભૂલોને સુધારવા માંગે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ટેરિફ લાદવાની પ્રક્રિયા ચાલુ રહેશે. ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ પણ ટેરિફ લગાવ્યો હતો, જે વિશ્વના સૌથી ઊંચા ટેરિફમાંનો એક છે.

જોકે, તાજેતરમાં ટ્રમ્પનું વલણ થોડું નરમ પડ્યું છે. તેમણે વડાપ્રધાન મોદીને 'પોતાના સારા મિત્ર' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું વહીવટ વેપાર અવરોધો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવા પણ સમાચાર છે કે આગામી દિવસોમાં યુએસ પ્રતિનિધિઓ વાટાઘાટો માટે ભારત આવવાના છે. પરંતુ હવે મકાઈને લઈને ઊભો થયેલો આ નવો વિવાદ આ સંબંધોને કઈ દિશામાં લઈ જશે તે જોવું રસપ્રદ રહેશે.

 

(5:51 PM IST)