News of Thursday, 18th September 2025
કેશોદ એરપોર્ટ પર ફ્લાઈટ રદ થવાનો અંત આવશે : ૨,૫૦૦ મીટર રનવેના વિસ્તરણ બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ સિસ્ટમ લગાવાશે
સાંસદ પરિમલભાઈ નથવાણીના પત્રના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુની જાહેરાત : રૂ. ૧૯૦.૫૬ કરોડના ખર્ચે રનવે વિસ્તરણનો કોન્ટ્રાક્ટ અપાયો : નવા ટર્મિનલનું પણ થશે નિર્માણ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : કેશોદ એરપોર્ટ પર હવામાન સંબંધિત સમસ્યાઓ અને અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વારંવાર ફ્લાઇટ રદ થવાની સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવશે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુને લખવામાં આવેલા પત્રના જવાબમાં આ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
મંત્રીએ પત્રના માધ્યમથી જણાવ્યું કે, કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું આયોજન છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVOR ની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે.
હાલમાં કેશોદ એરપોર્ટના રનવેની લંબાઈ ૧,૩૦૦ મીટર છે, જ્યારે ILS ઇન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ ૧,૮૦૦ મીટરથી વધુ હોવી જરૂરી છે. મંત્રાલયે રનવેને ૨,૫૦૦ મીટર સુધી લંબાવવા માટેના કામનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને તે ૧૮ મહિનામાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, પરિમલભાઈ નથવાણીએ પોતાના પત્રમાં વહેલી સવારના ધુમ્મસ અને અપૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ રદ થવાથી ઊભી થતી અડચણો પર ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આનાથી પ્રાદેશિક રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે, જ્યારે આ એરપોર્ટ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન) અને સોમનાથ મંદિર (પ્રથમ જ્યોતિર્લિંગ) આવતા મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) કેશોદ એરપોર્ટનો કુલ રૂ. ૩૬૪ કરોડના અંદાજિત ખર્ચે વિકાસ કરી રહી છે. આમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે ૬,૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પણ સામેલ છે, જે એકસાથે ૪૦૦ ડિપાર્ટિંગ અને ૪૦૦ અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરી શકશે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
