News of Thursday, 18th September 2025
ઈપીએફઓનો ક્રાંતિકારી સુધાર : હવે પીએફ પાસબુક, બેલેન્સ અને ટ્રાન્સફરની વિગતો એક જ લોગિન પર ઉપલબ્ધ
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ 'પાસબુક લાઇટ' અને 'એનેક્સર-કે'ની ઓનલાઈન સુવિધા શરૂ કરી : પીએફના વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને ક્લેમ સેટલમેન્ટ ઝડપી બનશે

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના લાખો સભ્યો માટે એક મોટો અને ક્રાંતિકારી સુધાર કર્યો છે. હવે સભ્યોએ પીએફ પાસબુકની વિગતો જોવા માટે અલગથી લોગિન કરવાની જરૂર રહેશે નહીં. ઇપીએફઓએ તેના મેમ્બર પોર્ટલ પર જ 'પાસબુક લાઇટ' નામની નવી સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા સભ્યો તેમના યોગદાન, ઉપાડ અને વર્તમાન બેલેન્સનો સારાંશ જોઈ શકશે.
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ સુધારની જાહેરાત કરતા જણાવ્યું કે, અગાઉ ડ્યુઅલ લોગિન સિસ્ટમને કારણે વિલંબ, પાસવર્ડ સિંક્રોનાઇઝેશનની સમસ્યાઓ અને અન્ય ફરિયાદો થતી હતી. 'પાસબુક લાઇટ'ની નવી સુવિધા હાલના 'પાસબુક પોર્ટલ' પરનો ભાર ઘટાડશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. જોકે, પાસબુકની ગ્રાફિકલ ડિસ્પ્લે સહિતની વિગતવાર માહિતી માટે હાલનું 'પાસબુક પોર્ટલ' હજુ પણ ઉપલબ્ધ રહેશે. આ પગલાથી ફરિયાદો ઘટવાની, પારદર્શિતા વધવાની અને સભ્યોનો સંતોષ વધવાની અપેક્ષા છે.
'એનેક્સર-કે' પણ ઓનલાઇન ઉપલબ્ધ
ઇપીએફઓએ પીએફ ટ્રાન્સફરમાં પારદર્શિતા વધારવા માટે 'એનેક્સર-કે' (ટ્રાન્સફર સર્ટિફિકેટ) ને પણ ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યું છે. જ્યારે કર્મચારીઓ નોકરી બદલે છે, ત્યારે તેમના પીએફ ખાતા ઓનલાઇન ફોર્મ ૧૩ દ્વારા નવા એમ્પ્લોયરના પીએફ કાર્યાલયમાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી, 'એનેક્સર-કે' માત્ર પીએફ કાર્યાલયો વચ્ચે જ શેર થતું હતું અને સભ્યોને વિનંતી કરવા પર જ ઉપલબ્ધ થતું હતું. હવે, સભ્યો સીધા જ મેમ્બર પોર્ટલ પરથી પીડીએફ ફોર્મેટમાં 'એનેક્સર-કે' ડાઉનલોડ કરી શકશે. આનાથી સભ્યો તેમની ટ્રાન્સફર અરજીની સ્થિતિને ટ્રેક કરી શકશે, ખાતરી કરી શકશે કે પીએફ બેલેન્સ અને સેવા અવધિ નવા ખાતામાં યોગ્ય રીતે અપડેટ થઈ છે, અને ભવિષ્યના ઉપયોગ માટે તેનો કાયમી ડિજિટલ રેકોર્ડ રાખી શકશે.
મંજૂરી પ્રક્રિયા સરળ બની
મંત્રીએ એ પણ જણાવ્યું કે, દાવાઓ માટેની બહુસ્તરીય મંજૂરી પ્રક્રિયાને કારણે વિલંબ અને લાંબો પ્રોસેસિંગ ટાઇમ થતો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે ઇપીએફઓએ હવે મંજૂરી આપવાની સત્તાઓને ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમિશનર/ઓફિસર-ઇન-ચાર્જ પાસેથી આસિસ્ટન્ટ પીએફ કમિશનર અને ગૌણ સ્તરોને સોંપી છે. આ સુધારાથી દાવાઓનું સેટલમેન્ટ ઝડપી બનશે અને સેવા વિતરણ વધુ સરળ થશે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
