<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

અમેરિકામાં સ્‍ટોર ચલાવતા ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્‍યા

સાઉથ કેરોલાઈનાની યુનિયન કાઉન્‍ટીમાં ૪૯ વર્ષના કિરણ પટેલ પર સપ્‍ટેમ્‍બર ૧૬ની રાતે થયો હુમલોઃ લૂંટ કરવા આવેલા શખ્‍સને પૈસા આપે તે પહેલા જ ફાયરિંગ શરૂ થઈ ગયું

સાઉથ કેરોલાઈના તા.૧૯: સાઉથ કેરોલાઈનાની યુનિયન કાઉન્‍ટીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ગેસ સ્‍ટેશન કમ સ્‍ટોર ચલાવતા એક ગુજરાતી મહિલાની ગોળી મારીને ઘાતકી હત્‍યા કરવામાં આવી છે.

મૃતકનું નામ કિરણ પટેલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે જેમની ઉંમર ૪૯ વર્ષ હતી, આ ઘટના બની ત્‍યારે તેઓ સ્‍ટોરમાં એકલા જ હતા. કિરણ પટેલ ડીડી'સ ફુડ માર્ટ નામનો બિઝનેસ ચલાવતા હતા.

મૃતકને શૂટ કરાયા તે ઘટનાનો એક હચમચાવી દે તેવા બે સર્વેલન્‍સ વિડીયોમાં જોઈ શકાય છે કે લૂંટ કરવાના ઈરાદે આવેલા એક શખસે કિરણ પટેલને ગન બતાવી પૈસા માગ્‍યા હતા અને તે વખતે જ તેણે એક રાઉન્‍ડ ફાયર પણ કર્યો હતો.

સપ્‍ટેમ્‍બર ૧૬ના રોજ રાતે સાડા દસ વાગ્‍યે બનેલી આ ઘટનામાં કિરણ પટેલ કેશ ગણી રહ્યા હતા ત્‍યારે જ લૂંટારાએ આવીને ‘યુ નો...' માત્ર એટલું જ કહ્યું હતું અને તેના જવાબમાં કિરણ પટેલે હા પાડી હતી. ત્‍યારબાદ આ લૂંટારો કેશ રજિસ્‍ટર પર ચઢીને કિરણ પટેલ ઉભા હતા ત્‍યાં જ આવી ગયો હતો અને કિરણ પટેલ તેને કેશ આપે તે પહેલા જ તેણે ગોળી ચલાવી હતી.

ફાયરિંગ થતાં કિરણ પટેલ લૂંટારા તરફ પ્‍લાસ્‍ટિકની બોટલ જેવી કોઈ વસ્‍તુ ફેંકીને ત્‍યાંથી ભાગ્‍યા હતા અને લૂંટારો પણ તેમની પાછળ દોડ્‍યો હતો. સ્‍ટોરની અંદર જ લૂંટારાએ ત્રણ રાઉન્‍ડ ફાયર કર્યા હતા. જીવ બચાવવા પાર્કિંગ લોટ તરફ દોડેલા કિરણ પટેલ પર લૂંટારાએ ફાયરિંગ કરવાનું ચાલુ જ રાખ્‍યું હતું અને આ દરમિયાન તેને ગોળી વાગતા માંડ વીસેક ફુટ દૂર જઈને તેઓ ફસડાઈ પડ્‍યા હતા.

ત્‍યારબાદ લૂંટારો પણ ત્‍યાંથી ભાગી ગયો હતો પરંતુ થોડી જ સેકન્‍ડોમાં તે કિરણ પટેલ નિヘેત હાલતમાં જ્‍યાં પડ્‍યા હતા ત્‍યાં પાછો આવ્‍યો હતો અને કિરણ પટેલ પર વધુ એકાદ-બે રાઉન્‍ડ ફાયર કર્યા બાદ તે નાસી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કિરણ પટેલના ગેસ સ્‍ટેશન પર પહોંચી હતી પરંતુ કિરણ પટેલનું ત્‍યાં સુધી મોત થઈ ચૂક્‍યું હતું.

કિરણ પટેલને શૂટ કરાયા તે જ દિવસે સાઉથ માઉન્‍ટેઈન સ્‍ટ્રીટમાં પણ આવી જ એક ઘટના બની હતી, જોકે તેમાં સામેલ આરોપી એક જ હતો કે કેમ તેની વિગતો નથી મળી શકી. કિરણ પટેલને ગોળી મારવામાં આવી તે ઘટનાના જે બે સીસીટીવી ફુટેજ IamGujaratને મળ્‍યા છે તેમાં માસ્‍ક અને હૂડી પહેરીને આવેલો એક જ વ્‍યક્‍તિ દેખાઈ રહ્યો છે.

કિરણ પટેલ જે ગેસ સ્‍ટેશન પર કામ કરતા હતા તેના પાર્કિંગ લોટમાં લગાવાયેલા કેમેરામાં જે દ્રશ્‍યો કેપ્‍ચર થયા હતા તેમાં એક સિલ્‍વર કલરની SUV પણ દેખાઈ રહી છે, લાઈસન્‍સ પ્‍લેટ વિનાની આ કારનું ક્રાઈમ સાથે કોઈ કનેક્‍શન છે કે કેમ તે અંગે પોલીસે કશુંય નથી જણાવ્‍યું. આ ઘટના બન્‍યા બાદ હત્‍યારાને શોધવા માટે પોલીસે ડ્રોન દ્વારા સમગ્ર વિસ્‍તારમાં તપાસ કરી હતી પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ નથી થઈ.

સાઉથ કેરોલાઈનાની આ ઘટનાએ અમેરિકામાં નાઈટ અવર્સમાં કામ કરવું કેટલું જોખમી છે તેનો વધુ એક પુરાવો આપ્‍યો છે, મૃતકને જે ગેસ સ્‍ટેશનમાં ગોળી મરાઈ હતી ત્‍યાં તેઓ કામ કરતા હતા કે પછી તેના પાર્ટનર કે ઓનર હતા તેની કોઈ વિગતો નથી મળી શકી. લૂંટારો સ્‍ટોરમાં આવ્‍યો ત્‍યારે કિરણ પટેલ ત્‍યાં એકલાં જ હતા, તેઓ ક્‍યારથી અમેરિકામાં રહેતાં હતાં તેમજ તેમના પરિવારમાં કોણ-કોણ છે તેની પણ કોઈ માહિતી હજુ સુધી જાણવા નથી મળી.(૩૮.૭)

(9:55 AM IST)