<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

હદ કરી નાખી! ભગવાન આવી વહુ કોઈને ન આપેઃ ખાવામાં ઝેર નાખી આખા પરિવારને બરબાદ કરી નાખ્‍યો

આરોપી મહિલા લાંબા સમયથી પારિવારિક ઝઘડા અને કંકાસથી કંટાળેલી હતી

 

સાસારામ તા.૧૯: રોહતાસ જિલ્‍લામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અગરેર વિસ્‍તારમાં એક વહુએ આખા પરિવારને ખતમ કરી નાખ્‍યો. કહેવાય છે કે તેણે ખાવામાં ઝેર નાખી પતિ અને સસરાને મોતને ઘાટ ઉતારી દીધા, જ્‍યારે દિયરની હાલત અત્‍યંત ગંભીર છે અને તે જિંદગી અને મોત વચ્‍ચે ઝોલા ખાઈ રહ્યો છે.

મરનારાની ઓળખ વિશાલ ચૌધરી (પતિ) અને બેચન ચૌધરી (સસરા) તરીકે થઈ છે. તો વળી દિયર વિકાસ કુમાર ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ તમામ લોકો બક્‍સર જિલ્‍લાના ગંગૌરા રામપુરના રહેવાસી છે અને સાસારામના અગરેર વિસ્‍તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. કડિયાકામ કરી આ લોકો પરિવારનું ગુજરાન ચલાવે છે.

 કહેવાય છે કે આરોપી મહિલા લાંબા સમયથી પારિવારિક ઝઘડા અને કંકાસથી કંટાળેલી હતી. દરરોજ મારપીટ અને તણાવથી કંટાળીને બુધવારે તેણે ભોજન બનાવતી વખતે ખાવામાં ઝેર નાખી દીધું. જેવું પરિવારે ભોજન ખાધું કે બધાની તબિયત ખરાબ થવા લાગી. તાત્‍કાલિક બધાને હોસ્‍પિટલે લઈ ગયા, પણ પતિ અને સસરાને બચાવી શક્‍યા નહીં

 ઘટનાની જાણ થતાં અગરેર પોલીસ ઘટનાસ્‍થળે આવી પહોંચી અને લાશને કબજામાં લઈ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધી. તો વળી આરોપી મહિલા અને તેની માતાની ધરપકડ કરી પૂછપરછ થઈ રહી છે. હાલમાં પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

સદર હોસ્‍પિટલ સાસારામના ડોક્‍ટર રાજેશ કુમારે પુષ્ટિ કરી છે કે પિતા અને દીકરાનું મોત ઝેર ખાવાથી થયું છે. તેમણે જણાવ્‍યું કે, એક અન્‍ય વ્‍યક્‍તિ દિયરની હાલત નાજુક છે, જેની સારવાર હોસ્‍પિટલમાં ચાલી રહી છે.

એસડીપીઓ કુમાર વૈભવે કહ્યું કે, આ સમગ્ર મામલો ગંભીર છે. તપાસ ચાલી રહી છે અને સત્‍ય સામે આવ્‍યા બાદ પોલીસ સત્તાવાર રીતે નિવેદન આપશે. પરિવારે જણાવ્‍યું કે આરોપી મહિલાએ જાણી જોઈને ખાવામાં ઝેર નાખ્‍યું હતું. પારિવારિક વિવાદમાં તેણે આ ખતરનાક પગલું ઉઠાવ્‍યું અને આખા પરિવારને બરબાદ કરી નાખ્‍યો. (૩૮.૪)

(9:56 AM IST)